Home / India : These veterans of the Territorial Army, including Sachin, Dhoni, will have to be present

ટેરિટોરિયલ આર્મીની 14 બટાલિયન એક્ટિવ, સચિન, ધોની સહિત આ દિગ્ગજોને થવું પડશે હાજર

ટેરિટોરિયલ આર્મીની 14 બટાલિયન એક્ટિવ, સચિન, ધોની સહિત આ દિગ્ગજોને થવું પડશે હાજર

મોદી સરકાર દ્વારા આર્મી ચીફને ટેરિટોરિયલ આર્મી (TA)ની 14 ઇન્ફેન્ટ્રી બટાલિયનનો ઉપયોગ કરવા માટેની પરવાનગી આપી દેવીમાં આવી છે. સરકારે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ટેરિટોરિયલ આર્મી રૂલ્સ, 1948 ના નિયમ 33 હેઠળ સેનાના નિયમિત દળોને મદદ કરવા કોઈપણ ટેરિટોરિયલ આર્મી અધિકારી અથવા જવાનને બોલાવવા માટે સત્તા આપવામાં આવી છે. રેગ્યુલર આર્મીને જ્યારે જરૂર પડે ત્યારે રક્ષણ માટે તેઓ આ ટેરિટોરિયલ આર્મીને બોલાવી શકે છે. આ ટેરિટોરિયલ આર્મીનું કામ જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી સેવા આપવાનું કામ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાકિસ્તાન દ્વારા ભારત પર હાલમાં જે ફાઇટર જેટ અને ડ્રોન વડે હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે એના કારણે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા આર્મી ચીફને આ ટેરિટોરિયલ આર્મીનો પણ ઉપયોગ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

શું છે ટેરિટોરિયલ આર્મી?

ટેરિટોરિયલ આર્મીને પાર્ટ-ટાઇમ વોલેન્ટિયર ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના નાગરિક દ્વારા એમાં આર્મીને સેવા આપવામાં આવે છે. નોન-કોમ્બેક્ટ ડ્યુટી માટે આ આર્મીને બોલાવવામાં આવે છે ખાસ કરીને કુદરતી હોનારત દરમ્યાન. જોકે આ આર્મીને પણ ટ્રેઇનિંગ આપવામાં આવી હોય છે અને દેશ પર સંકટ હોય ત્યારે તેમને પણ બોલાવવામાં આવી શકે છે. ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંદુલકર, કપિલ દેવ, સચિન પાયલટ અને એક્ટર મોહનલાલ જેવા અનેક દિગ્ગજ આ ટેરિટોરિયલ આર્મીનો સન્માનનિય રેન્ક ધરાવે છે.

આ છે ટેરિટોરિયલ આર્મીના મોટા નામો

મહેન્દ્ર સિંહ ધોની (લેફ્ટનન્ટ કર્નલ, માનદ): ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વ વિખ્યાત ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને 2011 માં ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેઓ 106 TA બટાલિયન (પેરા), ધ પેરાશૂટ રેજિમેન્ટનો ભાગ છે. ધોનીએ માત્ર ક્રિકેટના મેદાન પર જ પોતાનું નેતૃત્વ કૌશલ્ય દર્શાવ્યું નથી, પરંતુ સેના સાથે તાલીમ અને શિબિરોમાં પણ સક્રિયપણે ભાગ લીધો છે.

સચિન પાયલટ (કેપ્ટન): કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ ટેરિટોરિયલ આર્મીમાં નિયમિત કમિશન્ડ ઓફિસર છે. પાયલટને 2012 માં કમિશન મળ્યું હતું, તેઓ ટેરિટોરિયલ આર્મીમાં નિયમિત અધિકારી તરીકે સેવા આપનારા પહેલા કેન્દ્રીય મંત્રી છે. તેમના પિતા સ્વ. રાજેશ પાયલટ અને દાદા પણ લશ્કરી પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા, જેના કારણે તેમની સેવા પરિવારના વારસાનો ભાગ બની ગઈ.

સચિન તેંડુલકર: ક્રિકેટ ગોડ તરીકે જાણીતા સચિન તેંડુલકરને 2010માં ભારતીય વાયુસેના દ્વારા માનદ ગ્રુપ કેપ્ટનનું બિરુદ આપવામાં આવ્યું હતું. તે પણ ટેરિટોરિયલ આર્મી સાથે પણ સંકળાયેલ છે. તેંડુલકરે પોતાની પસિદ્ધિનો ઉપયોગ યુવાનોને લશ્કરી સેવા પ્રત્યે જાગૃતિ લાવવા માટે કર્યો છે.

અનુરાગ ઠાકુર: ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટેરિટોરિયલ આર્મીમાં કેપ્ટન તરીકે પણ સેવા આપી છે. તેઓ પ્રાદેશિક સેનામાં સક્રિયપણે સામેલ રહ્યા છે અને રાષ્ટ્રની સેવા કરવાની તેમની પ્રતિબદ્ધતા વારંવાર દર્શાવી છે.
 
અભિનવ બિન્દ્રા (મેજર): ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા શૂટર અભિનવ બિન્દ્રા પણ ટેરિટોરિયલ આર્મીમાં મેજરનો હોદ્દો ધરાવે છે. રમતગમતમાં તેમની સિદ્ધિઓ ઉપરાંત  બિન્દ્રાએ સેનામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

કપિલ દેવ (કર્નલ, માનદ): ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવને ટેરિટોરિયલ આર્મીમાં માનદ કર્નલનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમની નેતૃત્વ કુશળતા અને દેશ પ્રત્યેના પ્રેમે તેમને પ્રાદેશિક સેનામાં મહત્વપૂર્ણ સ્થાન અપાવ્યું છે.

લેફ્ટનન્ટ દીપ્તિ રાણા: ટેરિટોરિયલ આર્મીની મહિલા ઓફિસર લેફ્ટનન્ટ દીપ્તિ રાણાએ ઇતિહાસ રચ્યો છે. પ્રાદેશિક સેનામાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં તેમનું સમર્પણ મહત્વપૂર્ણ છે.
 
ટેરિટોરિયલ આર્મીમાં 32 બટાલિયનનો સમાવેશ થાય છે. એમાંથી 14 ઇન્ફેન્ટ્રી બટાલિયન અથવા તો અંદાજે 14000 સૈનિકોને સાઉથર્ન કમાન્ડ, ઇસ્ટર્ન કમાન્ડ, વેસ્ટર્ન કમાન્ડ, સેન્ટ્રલ કમાન્ડ, નોર્થન કમાન્ડ, સાઉથ વેસ્ટર્ન કમાન્ડ, અંદામાન એન્ડ નિકોબાર કમાન્ડ અને આર્મી ટ્રેઇનિંગ કમાન્ડ દ્વારા બોલાવી શકાય છે.

ભારતના પહેલાં ગવરનર જનરલ સી. રાજાગોપાલચારી દ્વારા 1949ની 9 ઓક્ટોબરે પહેલી ટેરિટોરિયલ આર્મીની શરૂઆત કરવામાં આવી છે. આ દિવસને ટેરિટોરિયલ આર્મી દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ‘સિટિઝન આર્મી’ના સન્માનમાં આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. પહેલો ટેરિટોરિલ આર્મી વીકને 1952માં આઠ નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું.

ટેરિટોરિયલ આર્મીમાં ઇન્ફેન્ટ્રી બટાલિયન, એર ડિફેન્સ, મેડિકલ રેજિમેન્ટ, એન્જિનીયર્સ ફિલ્ડ પાર્ક કંપની, સિગ્નલ રેજિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. જોકે 1972માં આ તમામ યુનિટનું રૂપાતંર રેગ્યુલર આર્મીમાં કરી નાખવામાં આવ્યું હતું. ફકત ઇન્ફેન્ટ્રી બટાલિયનનો સમાવેશ જ હવે ટેરિટોરિયલ આર્મીમાં થાય છે.

ટેરિટોરિયલ આર્મી યુનિટ દ્વારા 1962, 1965 અને 1971માં પણ ભાગ ભજવવામાં આવ્યો હતો. ટેરિટોરિયલ આર્મીને ‘ટેરિયર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઓપરેશન પવન હેઠળ શ્રીલંકા તેમ જ ઓપરેશન રક્ષક હેઠળ પંજાબ તેમ જ જમ્મુ એન્ડ કશ્મીર પણ ગયા હતા. ઓપરેશન રાઇનો અને ઓપરેશન બજરંગ દર્યાન ટેરિયર્સને નોર્થ-ઇસ્ટમાં પણ મોકલવામાં આવ્યા હતા. આજે ટેરિયર્સનો સમાવેશ રેગ્યુલર આર્મી તરીકે કરવામાં આવે છે. દેશને જ્યારે પણ ખતરો હોય ત્યારે ટેરિટોરિયલ આર્મી દ્વારા રેગ્યુલર આર્મીને યુનિટ પૂરા પાડવામાં આવે છે.

ટેરિટોરિયલ આર્મી જરૂર પડ્યે રેગ્યુલર આર્મીને તેમની અન્ય ડ્યુટીમાંથી મુકત કરે છે જેથી તેઓ મુખ્ય ડ્યુટી પર ધ્યાન આપી શકે. ઉદાહરણ તરીકે દેશમાં જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે રેગ્યુલર આર્મી યુદ્ધ પર ફોકસ કરે છે અને યુદ્ધને કારણે જે નુક્સાન થયું હોય એનું ધ્યાન ટેરિટોરિયલ આર્મી રાખે છે.

ટેરિટોરિયલ આર્મીમાં 10 ઇકોલોજિકલ બટાલિયનનો પણ સમાવેશ થાય છે જે સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા સ્પોન્સર્ડ હોય છે. આ બટાલિયન રેગ્યુલર આર્મીને જે-તે સ્ટેટના ફોરેસ્ટને લઈને પોતાની એક્સપર્ટીસ દ્વારા ટેક્નિકલ સપોર્ટ આપે છે.

ટેરિટોરિયલ આર્મીમાં ઓઇલ, નેચરલ ગેસ અને રેલવે માટે પણ રેજિમેન્ટ છે. 1980માં અસામમાં ઓઇલ પ્રોડક્શનમાં ખૂબ જ મોટું નુક્સાન થયું હતું. એ નુક્સાન 5000 કરોડ રૂપિાયની આસપાસ હતું. કોમ્બેર્ટ એન્જિનીયર રેજમેન્ટને આ સમયે ત્યાં મોકલવામાં આવ્યા હતા. તેમણે ઓઇલ અને ગેસ ઇન્સ્ટોલેશનની કામગીરી હાથમાં ઉપાડી હતી અને પ્રોડક્શનને મેઇન્ટેઇન કર્યું હતું. આ સમયે ઓઇલ સેક્ટરમાં પણ આ ટૂકડી કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે એ દેશ દ્વારા જોવામાં આવ્યું હતું.

ટેરિટોરિયલ ઓફિસર્સ માટે ભારતના નાગરિક અપ્લાઇ કરી શકે છે. ટેરિટોરિયલ આર્મી દેશની સેવા બે રીતે કરે છે એક નાગરીક તરીકે અને એક જરૂર પડ્યે સૈનિક તરીકે. આ માટે ભારતના નાગરિક હોવું જરૂરી છે. આ માટે કોઈ પણ વ્યક્તિની ઉંમર 18થી 42 વર્ષની વચ્ચે છે. જાણીતી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરવું જરૂરી છે. ફિઝિકલી અને મેન્ટલી ફીટ હોવું જરૂરી છે. આ ટેરિટોરિયલ આર્મીમાં રેગ્યુલર આર્મી એપ્લાઇ નહીં કરી શકે.

Related News

Icon