
સાબરકાંઠાના ઈડર એસટી બસ સ્ટેન્ડમાં પોલીસના સિમ્બોલ સ્ટીકરવાળી એક કાર ફરે છે. જેને લઈને મુસાફરો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નંબર પ્લેટ વિના ફરતી આ કાર સ્થાનિકો માટે જોખમી બની છે.
ઈડર એસટી બસ સ્ટેન્ડમાં પોલીસના સિમ્બોલ સ્ટીકરવાળી કારમાં GJ09BK7255 આગળ લગાવેલી નંબર પ્લેટ અને પાછળથી નંબર પ્લેટ વગરની ગાડી ફરતા ભયનો માહોલ સર્જાયો છે. એસટી ડેપો મેનેજરે આ મામલે પોલીસને લેખિતમાં જાણ કરી છે કે, બ્લેક કલરના કાળા કાચવાળી આ કાર સ્ટંટ કરતી સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ છે. જેને લઈને સીસીટીવી ફૂટેજ સહિત લેખિતમાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
એસટી ડેપો મેનેજરેના જણાવ્યા અનુસાર આ કાર દરરોજ કાળા કાચ સાથે ત્રણ કલાકથી વધુ સમય સુધી ઇડર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરે છે અને સ્ટંટ જેવા કરતબ બતાવે છે જેને લઈને મુસાફરોમાં ભયનો માહોલ ફેલાય છે. નબીરાઓની આ કાર સાથે અવનવાં સ્ટંટ કરે છે. સ્ટંટ કરતા આ કારના સીસીટીવી વીડિયો પણ જાહેર કરવામાં આવ્યા છે. કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ છૂટે તે સમયે આ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કારના ચાલકો બેફામ બની લોકોના જીવ જોખમમાં મૂકે છે. ત્યારે હવે આ નબીરા અસામાજીકે તત્વો સામે પગલા ભરાય તેવી સ્થાનિકોની માંગ છે.