
જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર ગોળીબાર કરનારા આતંકવાદીઓ સામે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનમાં ભારતીય સેનાની વિક્ટર ફોર્સ, સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને CRPFનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં મોખરે ભારતીય સેનાની વિક્ટર ફોર્સ છે કારણ કે તે ખીણમાં આતંકવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરવા માટે જાણીતી છે. આ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયાના અહેવાલ છે અને 20થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.
કાશ્મીર ઘાટીમાં આવા આતંકી હુમલાની પહેલી ઘટના નથી. જો આપણે છેલ્લા 25 વર્ષ ઉપર નજર કરીએ તો આ પ્રકારનો 11મો મોટો હુમલો છે. જેમાંથી અત્યાર સુધીમાં 227 લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આવા આતંકવાદી હુમલાઓની સંપૂર્ણ સમયરેખા જણાવવા જઈ રહ્યા છીએ.
જમ્મુ -કાશ્મીરમાં વર્ષ ૨૦૦૦ પછીથી સામાન્ય લોકો પર થયેલા આતંકી હુમલાઓ
અનંતનાગમાં લઘુમતી શીખો પર હુમલો
આ આતંકવાદી હુમલો 21 માર્ચ 2000 ના રોજ રાત્રે અનંતનાગ જિલ્લાના ચટ્ટીસિંગપોરા ગામમાં થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓ દ્વારા લઘુમતી શીખ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલામાં કુલ 36 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના પણ અહેવાલ હતા.
પહેલગામમાં નુનવાન બેઝ પર આતંકવાદી હુમલો
પહેલગામના નુનવાન બેઝ કેમ્પ પર ઓગસ્ટ 2000માં થયેલા આતંકી હુમલામાં અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં સ્થાનિક લોકો સાથે કુલ 32 યાત્રાળુઓ માર્યા ગયા હતા.
અમરનાથ યાત્રાળુઓ પર ફરી હુમલો
જુલાઈ 2001 માં પણ આતંકવાદીઓ દ્વારા અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં આતંકવાદીઓએ 13 લોકોને મારી નાખ્યા હતા. આ હુમલો અનંતનાગના શેષનાગ બેઝ કેમ્પ પર થયો હતો.
વિધાનસભા પરિસરમાં આત્મઘાતી હુમલો થયો
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રાજ્ય વિધાનસભા સંકુલમાં આત્મઘાતી આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 36 લોકો માર્યા ગયા હતા જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ચંદનવારી કેમ્પ પર હુમલો
૨૦૦૨માં કાશ્મીરના ચંદનવારી બેઝ કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ૧૧ અમરનાથ યાત્રાળુઓ માર્યા ગયા હતા.
દક્ષિણ કાશ્મીરમાં મોટો હુમલો થયો હતો
આ હુમલો 23 નવેમ્બર 2002ના રોજ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો. આ હુમલામાં ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણનો ઉપયોગ કરાયો હતો. આ હુમલામાં 9 સુરક્ષા કર્મચારીઓ, ત્રણ મહિલાઓ અને બે બાળકો સહિત 19 લોકોએ જીવ ગુમાવ્યા.
૨૩ માર્ચ ૨૦૦૩ના રોજ થયેલો હુમલો
આ હુમલામાં આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના નંદી માર્ગ ગામમાં ૧૧ મહિલાઓ અને ૨ બાળકો સહિત ઓછામાં ઓછા ૨૪ કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી.
૧૩ જૂન ૨૦૦૫
પુલવામાને ફરી એકવાર ૧૩ જૂન ૨૦૦૫ આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું. આ હુમલો એક સરકારી શાળાની સામેના ભીડભાડવાળા બજારમાં વિસ્ફોટકોથી ભરેલી કાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 2 સ્કૂલના બાળકો સહિત કુલ 13 લોકો માર્યા ગયા હતા.
૧૨ જૂન ૨૦૦૬
12 જૂન 2006માં આતંકવાદીઓએ કાશ્મીરના કુલગામને નિશાન બનાવ્યું. આ હુમલામાં 9 નેપાળી નાગરિકો અને બિહારી મજૂરો માર્યા ગયા હતા.
૧૦ જુલાઈ ૨૦૧૭
10 જુલાઈ 2017માં કાશ્મીરના કુલગામમાં અમરનાથ યાત્રા માટે જઈ રહેલી બસ પર આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં 8 લોકો માર્યા ગયા હતા.
૨૨ એપ્રિલ ૨૦૨૫
પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા છે.
જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એ વર્ષ ૨૦૧૯માં ૫ ઓગસ્ટના રોજ બંધારણમાંથી દૂર કરવામાં આવી. એ પછીથી ISI એ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદને આવરી લેવા માટે TRF એટલે કે 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' ની રચના કરી. પાકિસ્તાની સેના આ આતંકવાદી સંગઠનને મદદ કરે છે. TRF મોટે ભાગે લશ્કરના ભંડોળ ચેનલોનો ઉપયોગ કરે છે. ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, "ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું એક ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન છે."