ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદના ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આ દરિયાઈ ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગીરીથી 40 કિમી દૂર સક્રિય છે. ગુજરાતના માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ પાંચ દિવસ દરમિયાન પવનની ગતિ રાજ્યમાં 35-50 કિમી પ્રતિકલાકની રહેવાની સંભાવના છે. કેરળમાં આજે ચોમાસાનું આગમન થયું છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂન આસપાસ હોય છે.