
સુરતમાં ઉનાળુ વેકેશનમાં વતન જનારા લોકોનો ઉધના રેલવે સ્ટેશને માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. આ ભીડ આગામી 15મી મે સુધી યથાવત રહે તેવી સંભાવના છે. માત્ર એપ્રિલની જ વાત કરીએ તો ઉધના રેલવે સ્ટેશન ખાતેથી 1.04 લાખથી વધુ મુસાફરોએ જનરલ ટિકિટ પર મુસાફરી કરી હતી. જોકે રેલવેની ક્રાઉડ મેનેજમેન્ટ ટીમે આ ભીડને નિયંત્રિત કર્યું હતું. પ.રેલવે મુજબ 7થી 28 એપ્રિલની વચ્ચે ઉધનાથી ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો માટે સ્પેશિયલ ટ્રેનોની 48 ટ્રિપ ચલાવવામાં આવી હતી. આ ટ્રેનોમાં 62,126 મુસાફરોએ રિઝર્વ્ડ કોચ અને 26 હજાર મુસાફરોએ જનરલ કોચથી મુસાફરી કરી. જેનાથી રેલવેને 5.68 કરોડ રૂપિયાની આવક થઇ
વધુ સમર સ્પે. ટ્રેન દોડાવી શકાય
ઉનાળુ વેકેશન અને તહેવારોના પગલે મુસાફરોની ભીડમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. રેલવે તંત્રે વધારાની ભીડને નિયંત્રિત કરવા માટે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે. સાથે જ રેલવે સ્ટેશને સુરક્ષા કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો કરાયો છે. જેથી કોઇ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર મે મહિનામાં ભીડની સ્થિતિ ઉભી થવાની શકયતા છે. જેના માટે ઉધના સ્ટેશનેથી વધારાની સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવી શકાય છે.
ઉત્તર ભારત જતાં મુસાફરોની ભીડ રહેવાની શકયતા
મુસાફરોએ વધારાની ટ્રેનોની વ્યવસ્થાની માંગણી કરી : રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આગ્રહ કરાયો છે કે પહેલાં તેઓ મુસાફરીનું આયોજન કરે અને ભીડથી બચવા માટે રિઝર્વ ટિકિટનો ઉપયોગ કરે. આ ભીડવાળી પરિસ્થિતિ વચ્ચે મુસાફરોએ પણ રેલવે તંત્ર સમક્ષ માંગણી કરી છે કે તેમના દ્વારા વધારાની ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવે.