
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ બિલ મુદ્દે થઈ રહેલી હિંસા બાદ હજુ પણ તણાવભર્યું વાતાવરણ છે. ત્યારે હવે રાજકારણીઓ પણ વિવાદાસ્પદ નિવેદનો આપીને આ મુદ્દાને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. TMC સાંસદ બાપી હલદરે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, જો કોઈ વક્ફ મિલકત સામું જોવાની હિંમત કરશે તો તેની આંખો કાઢી નાખીશું, હાડકાં તોડી નાખવામાં આવશે. ટીએમસી સાંસદના નિવેદન બાદ BJP એ તેમના પર વળતો પ્રહાર કરી ધરપકડની માંગ કરી છે.
આ કોઈના બાપની મિલકત નથી
TMC સાંસદ બાપી હલદરે કહ્યું, જ્યાં સુધી મમતા બેનર્જી મુખ્યમંત્રી છે, ત્યાં સુધી તમારા પૂર્વજોની અમાનત બચાવવાની જવાબદારી અમારી છે. આ કોઈના બાપની મિલકત નથી. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સુકાંત મજુમદારે સવાલ કર્યો કે, રાજ્ય પોલીસ સાંસદ બાપી હલદર સામે શું કાર્યવાહી કરી રહી છે. તેમણે કહ્યું કે મુર્શિદાબાદથી હિન્દુઓને સ્થળાંતર કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. અહીં કટ્ટરપંથીઓ હિન્દુઓનું અસ્તિત્વ જ ભૂંસી નાખવા માંગે છે.
શુક્રવાર પછી હિંસાના બનાવ બન્યો નથી
જણાવી દઈએ કે મુર્શિદાબાદના સુતી, ધુલિયાં, સમસેરગંજ અને જાંગીપુરામાં થયેલી હિંસામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. શુક્રવાર પછી હિંસાના બનાવ બન્યો નથી.
આ હિંસા એક ષડયંત્રના ભાગ રૂપે કરવામાં આવી હતી
વક્ફ બિલ બાદ હિંસામાં 18થી વધુ લોકો ઘાયલ થયા હતા. અનેક ઘરો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. દરમિયાન વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની NIA તપાસ કરાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ હિંસા એક ષડયંત્રના ભાગ રૂપે કરવામાં આવી હતી.
અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના હિંસાગ્રસ્ત વિસ્તારો ખાસ કરીને સુતી, શમશેરગંજ, ધુલિયાં અને જાંગીપુરમાં સોમવારે પરિસ્થિતિ શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં રહી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 હેઠળ પ્રતિબંધક આદેશો અમલમાં છે. આના કારણે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓ શૂમશામ રહ્યા. દુકાનો બંધ રહી. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ છે જ્યારે સુરક્ષા દળો મુખ્ય રસ્તાઓ પર વાહનોનું ચેકિંગ કરી રહી છે.