
કેન્યામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં કેરળના પાંચ લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટના 9 જૂને ભારતીય સમય અનુસાર સાંજના 7 વાગ્યે ન્યારુરુ નજીક સર્જાઈ હતી જે નૈરોબીથી લગભગ 150 કિ.મી. દૂર આવેલો એક વિસ્તાર છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના પરખચ્ચા ઉડી ગયા હતા.
બસમાં 28 ભારતીય પર્યટકો હાજર હતા
આ બસમાં કુલ 28 ભારતીય પર્યટકો મુસાફરી કરી રહ્યા હતા જે કતારથી કેન્યાની મુલાકાતે આવ્યા હતા. દુર્ઘટનામાં અનેક યાત્રીઓ ઈજાગ્રસ્ત પણ છે. રાહત અને બચાવ કાર્યમાં લોકા કેરળ સભા અને નોરકા રુટ્સ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
ન્યારુરુમાં હાલમાં ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે. તેમને જલદી જ સાજા થયા બાદ નૈરોબી મોકલવામાં આવશે. આ મામલે કતારમાં સંચાલિત ભારતીય એમ્બેસીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે 28 ભારતીયોને લઇ જતી બસને કેન્યામાં અકસ્માત નડ્યો હતો અને તેમાં પાંચ ભારતીયોના મોત નીપજ્યાં છે. નૈરોબીના અધિકારીઓ સતત અમારા સંપર્કમાં છે. આ સાથે એમ્બેસીએ કોઈપણ પ્રકારની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યું હતું.