
IPL 2025ની 61મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે લખનૌના હોમ ગ્રાઉન્ડ એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા, SRH કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમના આક્રમક બેટ્સમેન ટ્રેવિસ હેડને કોરોના થયો છે, જેના કારણે તેના માટે આ મેચમાં રમવું મુશ્કેલ લાગે છે. આ વાતનો ખુલાસો SRHના કોચ ડેનિયલ વેટોરીએ કર્યો હતો.
હેડને થયો કોરોના
LSG સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં, SRHના હેડ કોચ ડેનિયલ વેટ્ટોરીએ જણાવ્યું હતું કે ટ્રેવિસ હેડ 19 મેના રોજ સવારે ભારત પહોંચશે. આ પછી, ટીમના તબીબી સ્ટાફ દ્વારા તેના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે. વિટ્ટોરીએ કહ્યું કે, "ટ્રેવિસ સોમવારે સવારે આવી રહ્યો છે. તેને પહોંચવામાં મોડું થયું. તેને કોરોના થયો હતો. એટલા માટે તે ભારતની મુસાફરી ન કરી શક્યો. તે સોમવારે આવશે અને ત્યારબાદ અમે તેની સ્થિતિનું મૂલ્યાંકન કરીશું અને તે આ મેચ રમવા માટે યોગ્ય છે કે નહીં."
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે IPL 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. આ કારણે, ઘણા વિદેશી ખેલાડીઓ તેમના દેશ પાછા ફર્યા, જેમાંથી એક ટ્રેવિસ હેડ પણ હતો. બાદમાં, જ્યારે IPL ફરી શરૂ થવાની તારીખ જાહેર થઈ, ત્યારે કેટલાક વિદેશી ખેલાડીઓ ભારત પાછા ફરવા લાગ્યા. પરંતુ કોરોનાને કારણે હેડ પાછો ન આવી શક્યો. હવે જોવાનું એ રહે છે કે તેને મેચ રમવા માટે સંપૂર્ણપણે ફિટ થવામાં કેટલો સમય લાગે છે.
SRH પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે
SRHની ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમે અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાંથી તે ફક્ત 3 મેચ જીતી શકી છે અને 7 મેચ હારી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. ગઈ સિઝનમાં, SRHની ટીમ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ આ વખતે ટીમ તે પ્રદર્શનનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહી.