
ટેક્નોલોજીના જમાનામાં મોટાભાગની વસ્તુઓ વ્યક્તિની હથેળીમાં આવી ગઈ છે. સ્માર્ટફોન જ્યારથી લોકોના હાથમાં આવ્યા ત્યારથી દરેક કામ એટલી સરળતાથી થવા લાગ્યા છે કે, લોકોને હવે વધારે મહેનત કરવી પસંદ નથી. કોઈપણ સામાન મંગાવવો છે, મોકલવો છે, ખરીદી કરવી છે, વસ્તુ વેચવી છે, મકાન શોધવું છે, દુકાન વેચવી છે કે કોઈપણ કામ હોય ફોન દ્વારા કરી શકાય છે. તેમાંય જ્યારથી ફૂડ ડિલિવરી એપ્સ અને સર્વિસીસ આવી ત્યારથી લોકોને આનંદ આવી ગયો છે પણ તાજેતરમાં એક છોકરાનો આનંદ અવળો પડ્યો હતો.
15,000 km દૂર ડિલિવરી આપી
ફૂડ ડિલિવરી એપ દ્વારા આપણે ગમે તે સમયે અને ગમે તે સ્થળે ફૂડ મંગાવી શકીએ છીએ પણ ઘણી વખત ફૂડ ડિલિવરીમાં લોચો પણ પડતો હોય છે. ખાસ કરીને તમે જ્યારે જુદા શહેરમાં, જુદા વિસ્તારમાં કે ક્યારેક જુદા દેશમાં ડિલિવરી કરાવતા હોય ત્યારે સમસ્યા સર્જાઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના યુવાનને તાજેતરમાં આવો જ એક અનુભવ થયો હતો. તેણે ઓર્ડર કરેલું ફૂડ 15,000 કિલોમીટર દૂર ડિલિવર કરવામાં આવ્યું હતું.
ઉબર ઈટ્સે ભાંગરો વાટ્યો
એક અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં રહેતો ઓઈસિન લેનહાન નામના યુવાને પોતાના મિત્રો સાથે એક ટ્રિટનું આયોજન કર્યું હતું. છ વર્ષ પહેલાં આયર્લેન્ડથી ઓસ્ટ્રેલિયા આવેલો ઓઈસિન એક દિવસ પોતાના મિત્રો સાથે બેઠો હતો અને સાંજે બધાને ભોજન કરવા માટે બહાર જવાની ઈચ્છા નહોતી. તેથી ઓઈસિને ઉબર ઈટ્સ ઉપર ચિકન પિઝા, ગાર્લિક બ્રેડ, ચિપ્સ અને બીજી કેટલીક વસ્તુઓનો ઓર્ડર આપી દીધો. તેણે આ ઓર્ડર માટે 65 ડોલરનું પેમેન્ટ પણ કરી દીધું હતું. તેઓ ડિલિવરીની રાહ જોવા લાગ્યા હતા.
આ લોકોએ રાહ જોયા બાદ પણ ઓર્ડર ન આવ્યો ત્યારે ઓઈસિને ચેક કર્યું તો તેને સમજાયું કે, તેનું ફૂડ તો આયર્લેન્ડના એમેરલ્ડ ટાપુ ઉપર ડિલિવર કરવામાં આવ્યું છે. તેણે જે ફૂડ ફ્રેન્ચાઈઝમાં ઓર્ડર કર્યો હતો તેની એક બ્રાન્ડ આયર્લેન્ડના એમેરલ્ડ ટાપુ ઉપર પણ હતી. તે લોકોએ ત્યાંથી ફૂડ ડિલિવર કર્યું હતું. ઓઈસિને આ મુદ્દે કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી. આ દરમિયાન તેને જાણવા મળ્યું કે, તે જ્યારે એમેરલ્ડ ટાપુ ઉપર ફરવા ગયો હતો ત્યારે તે એક હોટેલમાં રોકાયો હતો. ત્યારે તેણે આ જ ફ્રેન્ચાઈઝમાંથી જમવાનું મંગાવ્યું હતું. તે સમયે તેણે જે એડ્રેસ નાખ્યું હતું તે જ એડ્રેસ ડિફોલ્ટ એડ્રેસમાં સેટ થયેલું હતું. તેના કારણે જ તેનું ફૂડ 15,000 કિ.મી. દૂર ડબલિનમાં ડિલિવર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કંપનીએ તેને પૈસા રિફંડ કરી દીધા હતા પણ સોશિયલ મીડિયામાં આ કિસ્સાએ રમુજ ફેલાવી હતી.