
પહેલગામ હુમલાની અસર જમ્મુ અને કાશ્મીરના પર્યટન પર દેખાઈ રહી છે. એક દિવસ પહેલા સુધી જે રસ્તાઓ પ્રવાસીઓથી ધમધમતા હતા તે અચાનક સૂનસાન થઈ ગયા છે. હુમલા પછી બુધવારથી અહીં ભાગ્યે જ કોઈ લોકો જોવા મળ્યા છે. બધે જ સુરક્ષા દળોના જવાનો દેખાય છે. આખું બજાર બંધ છે. અહીં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મંદિરોથી લઈને મસ્જિદો સુધી, પહેલગામ અને આસપાસના વિસ્તારોમાં બધું જ ખાલી દેખાઈ રહ્યું છે.
સ્પષ્ટ છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો જમ્મુ અને કાશ્મીરનો પર્યટન ઉદ્યોગ, જેને વર્ષ 2030 સુધીમાં 30 હજાર કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તે શૂન્ય પર પહોંચી જવાનો ભય છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ હુમલો પ્રવાસીઓ પર નહીં પણ કાશ્મીરની સમૃદ્ધિ પર છે. જમ્મુ અને કાશ્મીરના કુલ અર્થતંત્રમાં પ્રવાસન ક્ષેત્રનો ફાળો આઠ ટકા છે. 2024-25માં રાજ્યનો GDP સાત ટકાના દરે વધ્યો છે, જેમાં પ્રવાસન ક્ષેત્ર સૌથી ઝડપી વિકાસ પામ્યું છે.
મંગળવારે આતંકવાદીઓએ બૈસરનમાં 28 પ્રવાસીઓને મારી નાખ્યા કારણ કે તેઓ બિન-મુસ્લિમ હતા. આતંકવાદી હુમલામાં એક સ્થાનિક યુવકનું પણ મોત થયું છે. પ્રવાસીઓને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તે આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યો.
બૈસરન હુમલા બાદ પહેલગામની લગભગ બધી હોટલો ખાલી કરાવી દેવામાં આવી છે. આજે પ્રવાસીઓને લઈ જતું એક પણ વાહન પહેલગામમાં પ્રવેશ્યું નથી.
90 ટકા ફ્લાઇટ્સ રદ
ટ્રાવેલ એજન્સીઓનું કહેવું છે કે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ લોકોએ જમ્મુ અને કાશ્મીર માટે તેના 90 ટકા બુકિંગ રદ કર્યા છે. ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યાની વચ્ચે 20 ફ્લાઇટમાં 3,337 મુસાફરો શ્રીનગરથી પાછા ફર્યા હતા.
ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસજેટે શ્રીનગરથી તેની સામાન્ય સુનિશ્ચિત સેવાઓ ઉપરાંત કુલ સાત વધારાની ફ્લાઇટનું સંચાલન કર્યું. પહેલગામ સહિત જમ્મુ અને કાશ્મીરના ઘણા સ્થળોએથી પ્રવાસીઓ હવે ઘરે પરત ફરી રહ્યા છે.
દરમિયાન ઓનલાઈન ટૂર ઓપરેટર જણાવ્યું હતું કે અંદાજ મુજબ, શ્રીનગર જતી ફ્લાઇટ રદ થવામાં સાત ગણો વધારો થયો છે. ભવિષ્યના બુકિંગમાં 40 ટકાનો ઘટાડો થયો છે.
વૈષ્ણોદેવીનું બુકિંગ પણ રદ કરાયું
ટૂર ઓપરેટરોએ જણાવ્યું હતું કે લોકો પરિસ્થિતિનો હવાલો આપીને તેના પૈસા પાછા માંગી રહ્યા છે. તેથી આ ટુર એજન્સીઓ માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે. ફક્ત કાશ્મીર જ નહીં, લોકો હવે જમ્મુ જતા પણ ડરે છે. વૈષ્ણોદેવી માટે બુકિંગ પણ રદ થઈ રહ્યા છે.