
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બોમ્બથી વૈશ્વિક વ્યવસ્થાને ખોરવી નાખી છે. વિશ્વના ઘણા દેશો પહેલાથી જ અમેરિકન ટેરિફની સંભવિત અસરથી ચિંતિત છે. ત્યારે અમેરિકા સિવાય તેમનું ધ્યાન હવે વિશ્વની અન્ય આર્થિક શક્તિઓ જેમ કે ચીન, રશિયા અને ભારત પર છે. જેમાં ઈરાન પણ આવો જ ડર અનુભવી રહ્યુ છે અને હવે તે ભારત સાથે વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાની હિમાયત કરી રહ્યો છે.
ભારતને આર્થિક શક્તિ ગણાવ્યું
રેસિપ્રોકલ ટેરિફના ભયથી હેરાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ હવે ભારત, ચીન અને રશિયા જેવી આર્થિક શક્તિઓ સાથે વેપાર સંબંધો વિસ્તારવાની વાત કરી છે. ખામેનીએ કહ્યું છે કે, 'ઈરાને એશિયાના આર્થિક કેન્દ્રના દેશો સાથે વેપાર સંબંધો વધારવા જોઈએ અને આમાં પડોશી દેશોને પ્રાથમિકતા આપવી જોઈએ.'
ઈરાનના વિદેશ મંત્રી ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
સુપ્રીમ લીડર ખામેનીનું આ નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ આવ્યું છે. જોકે, ટ્રમ્પે હાલમાં આ ટેરિફને 90 દિવસ માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે ખામેનીએ એશિયન દેશોનો ઉલ્લેખ કરતી વખતે પાકિસ્તાનનો ક્યાંય ઉલ્લેખ નહોતો કર્યો.
પાકિસ્તાન સાથે વધાર્યું અંતર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોસ્ટમાં તેમણે ભારત ઉપરાંત રશિયા અને ચીન સાથેના સંબંધોને મજબૂત બનાવવાની હિમાયત કરી છે. પરંતુ તેમાં પાકિસ્તાનનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે ઈરાનના પાકિસ્તાન સાથેના સંબંધો પહેલાથી જ અસ્થિર રહ્યા છે. હાલમાં જ ઈરાનમાં 8 પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતા. તો બીજી બાજુ ભારત ઈરાનના ચાબહાર પોર્ટનો વિકાસ કરી રહ્યું છે અને બંને દેશો વચ્ચે સારા વ્યાપારિક સંબંધો છે.