Home / Lifestyle / Health : The infallible medicine for all diseases - ''Haripriya'' (Tulsi)

Sahiyar : સર્વ રોગોનું અમોઘ ઔષધ - ''હરિપ્રિયા'' (તુલસી)

Sahiyar : સર્વ રોગોનું અમોઘ ઔષધ - ''હરિપ્રિયા'' (તુલસી)

- આરોગ્ય સંજીવની

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સર્વરોગનું એક ઔષધ કે જે સર્વત્ર સુલભ હોય અને બિલકુલ નિર્દોષ હોય તો તે છે, 'તુલસી'. તુલસીને આયુર્વેદમાં 'હરિપ્રિયા' તરીકે ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ ઔષધની ઉત્પત્તિથી ભગવાન વિષ્ણુનાં મનનો સંતાપ દૂર થયો હતો તેથી તેને 'હરિપ્રિયા' એવું નામ આપવામાં આવ્યું છે. તુલસીનાં આધ્યાત્મિક મહત્વની સાથે સાથે તેના ઔષધીય ઉપયોગો એટલા બધાં છે કે, અનેક વૈજ્ઞાાનિકોએ તેનો અભ્યાસ કર્યો છે. ''વેલ્થ ઓફ ઈન્ડિયા''ના મત અનુસાર તુલસીનો રસ કેટલાય પ્રકારના જીવાણુઓનો નાશ કરે છે. તેમાં મુખ્ય છે સ્ટેફિલોકોકસ ઓરિયસ સાલ્મોનેલાટાઈફોસા અને એસ્કેરેશિયા કોલાઈ. વળી, આજના સમયમાં તો તુલસીનાં ડાયાબિટીસ ઉપર, કેન્સર ઉપર, ક્ષય ઉપર, ધાતુ ક્ષીણતા ઉપર તથા અનેક સ્ત્રીરોગો ઉપર પ્રયોગો ચાલી રહ્યાં છે. વિશેષત: વિષમજવર, શરદી વગેરે ઉપર તુલસી ખૂબ જ અદ્ભૂત પરિણામ આપે છે. વૈજ્ઞાાનિકો રોગનાશક ઔષધોમાં તુલસીને મોખરે ગણાવે છે.

ગુણોની દ્રષ્ટિએ તો 'તુલસી'ને 'સંજીવની' બુટ્ટી ગણાવાઈ છે. તુલસી અકાળ મૃત્યુનું હરણ કરનારી અને સમસ્ત રોગોને દૂર કરનારી ગણવામાં આવે છે.

તુલસીનું પંચાંગ ઔષધ તરીકે વાપરવામાં આવે છે. તુલસીનાં વપરાશનું દૈનિક પ્રમાણ નીચે મુજબ રાખવું. જેમાં તુલસીનો રસ ૧૦ થી ૨૦ ગ્રામ, તુલસી બીજનું ચૂર્ણ ૧ થી ૨ ગ્રામ તેમજ તેનો ઉકાળો ૧ થી ૨ ઔંસ જેટલો ઉપયોગમાં લઈ શકાય છે.

આજે અહીં કેટલાંક રોગો ઉપર 'તુલસી'ના ખૂબ સરળ પ્રયોગ બતાવું છું. જેમાં,

અવાજ બેસી જવો :- જેનો અવાજ બેસી ગયો હોય, ખૂબ ખાંસી આવતી હોય તેણે તુલસીનાં મૂળને સોપારીની જેમ ચૂસી ધીમે ધીમે તેનો રસ ઉતારવો.

તીવ્ર ખાંસી :- કાળા તુલસીનો રસ લગભગ દોઢ ચમચી લઈ તેમાં થોડું કાળા મરીનું ચૂર્ણ મેળવી પીવડાવવાથી ખાંસીનો વેગ એકદમ શાંત થઈ જાય છે.

ફેફસામાં કફનો ખડખડ અવાજ આવતો હોય અને સાથે ખાંસી આવતી હોય તો તુલસીનાં ૪ ગ્રામ સૂકાં પાન ખડી સાકર સાથે દર્દીને ખવડાવવા.

હેડકી અને શ્વાસ-દમ :- આ પ્રકારની તકલીફોમાં તુલસીનો રસ લગભગ ૧૦ ગ્રામ અને મધ ૫ ગ્રામ મેળવી સવાર-સાંજ પીવડાવવું.

વિષમજવર :- વિષમજવરમાં તુલસીનાં પાનનો ઉકાળો ૩-૩ કલાકે પીવાનું વિધાન આયુર્વેદમાં છે અથવા તો ૩ ગ્રામ તુલસીનો રસ મધની સાથે ૩-૩ કલાકનાં અંતરે લેવો.

હલકા તાવ સાથે કબજિયાત પણ હોય તો તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ ૫ થી ૧૦ ગ્રામ બંનેનાં મિશ્રણને થોડું ગરમ કરીને દિવસમાં બે કે ત્રણવાર જરૂરિયાત પ્રમાણે લેવું જેથી તાવ અને કબજિયાત બંને મટે છે.

ઊલટી :- ઊલટી મટાડવા માટે તુલસીનાં રસનું મધ સાથે સેવન કરવું. સવારે ૧ વાર લેવાથી ન મટે તો દિવસમાં બે-ચાર વાર સેવન કરવું જોઈએ. પાચકરસો વધારવા માટે અપચો દૂર કરવા માટે તથા બાળકોના યકૃત સંબંધી રોગો માટે તુલસીના પાનનો રસ પીવડાવવામાં આવે છે. નાની એલાયચી, આદુનો રસ અને તુલસીનાં પાનનો રસ મેળવીને પીવડાવવાથી ઊલટી બંધ થઈ જાય છે.

અતિસાર :- ઝાડા થઈ ગયા હોય તો તુલસીનાં ૧૦ પાન અડધી ચમચી શેકેલા ખાવાનાં જીરા સાથે ભેળવીને મધ સાથે દિવસમાં ત્રણ વાર ચટાડવાથી લાભ થાય છે.

હરસ :- હરસ-મસામાં તુલસીનાં રસનું સેવન અને તુલસીનાં પાન વાટી હરસ પર લેપ કરવાથી હરસ બેસી જાય છે.

મૂત્રરોગ :- કોઈપણ પ્રકારનાં પેશાબ સંબંધી રોગોમાં ૧૦ ગ્રામ તુલસીનાં રસનું સેવન કરવું જોઈએ. પેટનાં રોગોમાં પેટમાં દર્દ થતું હોય તો તુલસીનાં પાન સાથે સાકર ચાવીને ખાવાથી તરત દર્દમાં આરામ મળે છે.

કુષ્ઠરોગ :- તુલસીના પાનનો રસ દરરોજ સવારે પીવાથી કોઢ મટે છે. દાદર અને ખરજવામાં તુલસીનાં પંચાંગને લીંબુના રસમાં વાટી દર્દવાળા ભાગ ઉપર લેપ કરવો. શરીરે ફોલ્લાં થતાં હોય તો તુલસીનાં બીજ અને ગુલાબનાં ફૂલ બંને એક સાથે વાટીને પીવાથી આ પ્રકારના ફોલ્લા મટે છે.

ધાતુ દૌર્બલ્યમાં :- ધાતુની દુર્બળતામાં તુલસીનાં બીજ ૧ ગ્રાણ ગાયનાં દૂધ સાથે સવારે અને સાંજે આપવાથી ઘણો ફાયદો થાય છે. ધારોષ્ણ દૂધ (તરતનું દોહેલું દૂધ) ધાતુ પુષ્ટિ માટે શ્રેષ્ઠ છે. નપુસકતામાં તુલસીબીજનું ચૂર્ણ અથવા તુલસીનાં મૂળનું ચૂર્ણ તેમાં તેટલો જ (સરખા ભાગે) જૂનો ગોળ મેળવીને દરરોજ દોઢથી ત્રણ ગ્રામનાં પ્રમાણમાં ગાયનાં દૂધની સાથે પાંચથી છ અઠવાડિયા સુધી લેવાથી લાભ થાય છે.

સર્પનાં વિષમાં :- તુલસીનાં કોઈ પણ અંગનો ઉપયોગ સર્પવિષ ઉપર થઈ શકે છે. સર્પદંશથી પીડાતી વ્યક્તિને જો તુરંત જ તુલસીનું સેવન કરાવવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. જે સ્થાન પર ડંખ માર્યો હોય તે સ્થાન ઉપર તુલસીના મૂળને માખણ કે ઘીમાં ઘસીને લેપ કરવામાં આવે તો ડંખમાંથી ઝેર આ લેપ ચૂસી લે છે. ડંખમાંથી જેમ જેમ ઝેર ચૂસાતું જાય તેમ તેમ લેપનો રંગ સફેદ અને કાળો થાય છે. આમ લેપનો રંગ બદલાઈ જાય કે તરત તે લેપ કાઢીને પાછો તેની ઉપર બીજો તાજો લેપ કરી દેવો જોઈએ. આમ વારંવાર કરવાથી ડંખમાંનું તમામ ઝેર બહાર ખેંચાઈ આવે છે અને મનુષ્યનો જીવ બચી જાય છે.

નષ્યર્તવ :- ઘણી બહેનોને નાની ઉંમરમાં માસિક બંધ થઈ જાય છે. આવી તકલીફમાં ધીરજપૂર્વક તુલસીબીજ ૨-૨ ગ્રામ મધ સાથે સવાર-સાંજ લેવાથી માસિક પાછું ચાલુ થઈ જાય છે.

આવા તો બીજા અનેક રોગો પર અદ્ભૂત પ્રયોગો છે, જે વિસ્તારલયથી અહીં સમાવી શકાયા નથી. પરંતુ એ વાત નિશ્ચિત છે કે, તુલસી અસાધ્ય કે કષ્ટસાધ્ય ગણાતાં સર્વરોગોનું રામબાણ ઔષધ છે, જેથી ઘર ઘરમાં તે પૂજાય છે.

Related News

Icon