
કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત છ રાજ્યોને ફંડ આપવા મંજૂરી આપી દીધી છે. સરકારે આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, કેરળ અને ઉત્તરાખંડ જેવા પૂર-ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે 1,066.80 કરોડ રૂપિયાની રકમ આપવા મંજૂરી આપી દીધી છે. આ વર્ષે કેન્દ્ર સરકારે 26 રાજ્યોને કુલ 8154.91 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કર્યું છે.
છ રાજ્યો માટે 1,066.80 કરોડ રૂપિયાનું ફંડ જાહેર
કેન્દ્ર સરકારે જાહેર કરેલ 1,066.80 કરોડ રૂપિયાના ફંડમાંથી આસામને 375.60 કરોડ રૂપિયા, મણિપુરને 29.20 કરોડ રૂપિયા, મેઘાલયને 30.40 કરોડ રૂપિયા, મિઝોરમને 22.80 કરોડ રૂપિયા, કેરળને 153.20 કરોડ રૂપિયા અને ઉત્તરાખંડને 455.60 કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી છે. આ ફંડ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ(SDRF)માંથી કેન્દ્રના હિસ્સા તરીકે આપવામાં આવશે. આ વર્ષે દક્ષિમ-પશ્ચિમ ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતાં પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી, જેમાં અનેક રાજ્યો પ્રભાવિત થયા છે.
26 રાજ્યોને રૂ.8154.91 કરોડનું ફંડ આપ્યું
આ વર્ષે કેન્દ્ર સરકારે કુલ 26 રાજ્યોને કુલ 8154.91 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. સરકારે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ(SDRF)માંથી 14 રાજ્યોને કુલ 6,166 કરોડ રૂપિયા અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ(NDRF)માંથી 12 રાજ્યોને કુલ 1,988.91 કરોડ રૂપિયાનું ફંડ પહેલેથી જ આપી દીધું છે. આ ઉપરાંત પાંચ રાજ્યોને 725.20 કરોડ રૂપિયા અને બે રાજ્યોને 17.55 કરોડ રૂપિયાનું ફંડ પણ આપી દેવાયું છે.
21 રાજ્યોમાં 104 એનડીઆરએફ ટીમ તૈનાત
કેન્દ્ર સરકારે પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી પ્રભાવિત તમામ રાજ્યોને જરૂરી એનડીઆરએફ ટીમ, સેનાની ટીમ અને વાયુસેનાની સહાય સહિત તમામ લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો છે. ચાલુ ચોમાસા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બચાવ અને રાહત કામગીરી માટે 104 એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે.