
ઉત્તરાખંડની અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબક્યો હતો. આ ટ્રાવેલરમાં 18થી 20 લોકો બેઠાં હતાં, જેમાંથી 3 લોકોના મોત થયા છે. અકસ્માતનો ભોગ બનેલી ટેમ્પો ટ્રાવેલરમાં સુરતનો સોની પરિવાર મુસાફરી કરતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં એક ટ્રાવેલર્સ કંપનીની ટેમ્પો ટ્રાવેલર બસ અલકનંદા નદીમાં ખાબકી છે. આ અકસ્માત ધોલથીર બદ્રીનાથ હાઈવે પર થયો હતો. આ બસમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 18થી 20 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જેમાં એક ગુજરાતી સામેલ છે. 8 લોકો ઈજાગ્રસ્ત છે, જ્યારે 9 લોકો ગુમ છે.
ઉદયપુરથી ઉત્તરાખંડ ગયા
વહીવટી તંત્ર તરફથી મૃતકોની યાદી હજુ જાહેર કરાઈ નથી. પરંતુ પ્રાથમિક વિગતો અનુસાર આ બસમાં સુરતના પર્વત પાટિયા ખાતે સિલિકોન પેલેસમાં રહેતો સોની પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. બસમાં ઈશ્વર સોની, ભાવના સોની, ડ્રીમી સોની, ભવ્ય સોની અને ચેષ્ટા સોની હતા. તે પૈકી ડ્રીમી સોનીનું મોત થયું હોવાના અહેવાલ સાંપડ્યા છે.સોની પરીવારે ઉત્તરાખંડ જવા માટે ટ્રાવેલ્સ બસ ઉદયપુર થી કરી હતી. સુરત થી તેઓ અંદાજે છોડ કે 17 તારીખે ઉદેપુર જવા માટે નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ઉદયપુર તેમના મૂળ વતનથી ઉત્તરાખંડ તરફ પ્રવાસે ગયા હતા.
જ્વેલર્સના શો રૂમ ચલાવે છે
મળતી માહિતી અનુસાર ઈશ્વરભાઈ સોની વિધાતા જ્વેલર્સ શો રૂમના માલિક છે. ઉત્તરાખંડ ખાતે તેઓ રૂદ્રપ્રયાગ સહિતના ધાર્મિક સ્થળે યાત્રા કરવા જઈ રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો છે.મૃતક ડ્રીમીના મિત્રોએ કહ્યું કે, તે ભણવામાં હોંશિયાર હતી. 12 સાયન્સમાં 89 ટકા સાથે પાસ થઈ હતી. તેણીને આઈઆઈટીમાં એડમિશન લઈ એન્જિનિયરિંગ ક્ષેત્રે મોટું નામ કરવું હતું.
મૂળ ઉદયપુરનો પરિવાર
ઈશ્વરભાઈ સોની મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ભદરાડા ગામ વતની છે. પેઢીઓથી તેઓ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. મૂળ વતન છોડીને સુરતમાં વિધાતા જ્વેલરી શોરૂમ શરૂ કર્યો હતો. બારેક વર્ષથી પરિવાર સુરતમાં સ્થાયી થયો છે. ઈશ્વર સોનીનું બાળપણ મૂળ ગામમાં જ પસાર થયું હતું. વેપાર માટે તેઓ સુરત આવ્યા છે. ઇશ્વરભાઇને બે દીકરીઓ અને એક દીકરો છે. ઈશ્વરભાઈની પત્ની ભાવનાબેનના પરિવાર સાથેના લોકો પણ આ પ્રવાસમાં તેમની સાથે ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભાવનાબેનના ભાઈ ભાભી અને તેમની ભત્રીજી પણ આ પ્રવાસમાં તેમની સાથે ગઈ હોવાનું જાણવા મળ્યું છે.