
અમદાવાદ બાદ હવે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરનાર 100 કરતા વધુ વાહન ચલાકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વડોદરા પોલીસમાં ટ્રાફિક એસીપી તરીકે ફરજ બજાવતા ડી એમ વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, 150 જેટલા વાહન માલિકોની યાદી તૈયાર કરી ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને મોકલવામાં આવી હતી. લાયસન્સ સસ્પેન્ડ થયા પછી વાહન ચલાવતા ઝડપાશે તો પાંચ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. વાહન ચાલક જ વાહન માલિક છે કે નહિ તેની પણ ખરાઈ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટા શહેરોમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસ અને આરટીઓના સહયોગથી ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને પગલે પગલે ટ્રાફિક નિયમનોનું ભંગ કરતા વાહન ચલાકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.