
Vadodara News: વડોદરા શહેરમાં બોગસ જન્મના દાખલા જુદા જુદા વિસ્તારમાં કાઢી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આજે વોર્ડ નં. 17માંથી પણ વધુ એક બોગસ જન્મનો દાખલો લઈને આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવાના ઇરાદે આવેલો યુવક પાલિકા કર્મીની તપાસમાં ઝડપાઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં પોલીસની એન્ટ્રી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પાલિકા કચેરીના વિવિધ વોર્ડમાં જન્મના દાખલાના આધારે આધાર કાર્ડમાં સુધારા વધારા કરી આપવામાં આવે છે ત્યારે ગઈકાલે વોર્ડ નંબર 19માં પોસ્ટ ઓફિસમાંથી ફરજ પરના કર્મીએ બોગસ જન્મનો દાખલો કાઢી આપ્યો હતો.
આ અગાઉ પણ મકરપુરા સહિત જુદા જુદા વિસ્તારમાં પણ આવા બોગસ જન્મના દાખલાના આધારે આધાર કાર્ડમાં ફેરફાર કરાવવા જતા ઝડપાઈ જવાના કેટલાક કિસ્સા બહાર આવ્યા છે. દરમિયાન આજે પણ આવો જ કિસ્સો વોર્ડ નંબર 17માં સ્થાનિક પાલિકા મહિલાની ચોકસાઈના કારણે યુવક ઝડપાઈ ગયો હતો. જો કે, બોગસ જન્મના દાખલામાં ઉપર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખ્યું છે તથા ગવર્મેન્ટ ઓફ ગુજરાત પણ લખ્યું છે.
પરંતુ જન્મના આ બોગસ દાખલામાં નીચેની બાજુએ વિશાખાપટ્ટનમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખ્યું હોવાનું જણાવતા સ્થાનિક પાલિકા આ બાબતે આસિસ્ટન્ટ કમિશનર સમીક જોશીનો સંપર્ક કરીને તમામ વિગત જણાવી હતી. જેથી પાલિકા કચેરીએ તાત્કાલિક પહોંચી ગયેલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે તમામ વિગતો જાણી હતી. દરમિયાન જન્મનો દાખલો લઈને આવેલા તેના પિતાએ પોતાનું નામ કિશનભાઇ જણાવ્યું હતું અને દાજીપુરા ખાતે બે બહેને આવીને રૂપિયા 500 લઈને જન્મનો દાખલો કાઢી આપ્યો હતો.
કિશને કહ્યું, અમે પરિવારમાં અભણ છીએ જેથી આ બાબતે અમને કાંઈ ખબર નથી. પરંતુ અમારા બાળકને સ્કૂલમાં લઈ જતા જણાવ્યું હતું કે, બાળકના જન્મના દાખલાના આધારે આધાર કાર્ડમાં સુધારો કરવો પડશે. પરિણામે અમે આ બંને બહેનોએ કાઢી આપેલો જન્મનો દાખલો લઈને અહીંયા આવ્યા છીએ. જોકે કિશનભાઇ શરૂઆતથી જ જન્મના દાખલા બાબતે ફરજ પરના કર્મીને ગલ્લા તલ્લા કરતા હતા. શરૂઆતમાં તેમણે વિગતો છુપાવીને અન્ય બહાનું બતાવ્યું હતું પરંતુ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ત્યારે કડક પૂછપરછમાં ભાંડો ફૂટ્યો હતો.
છેલ્લા 2 મહિનામાં 6 બોગસ પ્રમાણપત્ર મળી આવ્યા છે. વડદલા ગામની કરિયાણાની દુકાનમાંથી નકલી સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું. સમગ્ર મામલે કિશન કાસકીવાલા નામના ઈસમની પોલીસે અટકાયત કરી છે. પોલીસે વોર્ડ ઓફીસ પહોંચી પરિવારના સભ્યની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.