
Vadodara News: અષાઢી બીજના પાવન દિવસે ગુજરાત સહિત દેશભરમાં લોકોએ રથયાત્રાના પર્વની ઉજવણી કરી હતી. રથયાત્રામાં સુરક્ષા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા સતત પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. એવામાં વડોદરામાં રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન એક પોલીસ જવાનનું હૃદયના હુમલાને પગલે કરુણ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, પોલીસ જવાન નરેશ હરજીભાઈ રાઠવાને અચાનક ગભરામણ થતાં તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પોલીસ જવાનનું દુ:ખદ અવસાન થયું છે. મૃતક પોલીસ જવાન નરેશ ભાઈ હરણી પોલીસ મથકમાં ફરજ બજાવે છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ હોસ્પિટલમાં પહોંચી હતી. ઘટનાથી પરિવાર સહિત વડોદરા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.