
IPL 2025 પછી, ટીમ ઈન્ડિયાએ 5 ટેસ્ટની સિરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત મે મહિનામાં જ થવાની છે. પરંતુ, તે પહેલાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અંગે ટીમ ઈન્ડિયાના નિર્ણય સાથે સંબંધિત છે. એવા સમાચાર આવ્યા છે કે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ બુમરાહ (Jasprit Bumrah) ને સોંપવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ હવે તે ટીમનો વાઈસ-કેપ્ટન પણ નહીં રહે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેની પાસેથી ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ-કેપ્ટનની પદ છીનવી લેવામાં આવશે.
ઈંગ્લેન્ડ પ્રવાસમાં બુમરાહ વાઈસ-કેપ્ટન નહીં હોય
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જસપ્રીત બુમરાહે ભારતની ટેસ્ટ ટીમના વાઈસ-કેપ્ટન અને કાર્યકારી કેપ્ટનની ભૂમિકા ભજવી હતી. પરંતુ, સિલેક્ટર્સ ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેને વાઈસ-કેપ્ટન તરીકે જાળવી રાખવાના મૂડમાં હોય તેવું નથી લાગતું. એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવમાં આવ્યું છે કે ભારતીય સિલેક્ટર્સ બુમરાહ (Jasprit Bumrah) ના કાર્યભારને સંચાલિત કરવાના ઈરાદાથી આ પગલું ભરવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, સિલેક્ટર્સનું કહેવું છે કે બુમરાહ ઈંગ્લેન્ડમાં પાંચેય ટેસ્ટ નહીં રમે.
બુમરાહ વાઈસ-કેપ્ટન કેમ નહીં હોય?
અહેવાલોમાં, સૂત્રોને ટાંકીને, એવું કહેવામાં આવ્યું હતું કે સિલેક્ટર્સની નજર તમામ 5 ટેસ્ટમાં રમનારા ખેલાડીઓ પર છે. તે એ જ ખેલાડીને વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપશે. બુમરાહ (Jasprit Bumrah) પાંચેય ટેસ્ટ નહીં રમે. અને સિલેક્ટર્સ નથી ઈચ્છતા કે ટીમ દરેક મેચમાં અલગ વાઈસ-કેપ્ટન રાખે. એટલા માટે બુમરાહ વાઈસ-કેપ્ટન નહીં રહે. અહેવાલો અનુસાર, એવા જ ખેલાડી ટીમનો કેપ્ટન અને વાઈસ-કેપ્ટન હશે જે પાંચેય ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે.
ઈજા અટકાવવા માટેની તૈયારીઓ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન બુમરાહ (Jasprit Bumrah) ને પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે 3 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. બુમરાહ આ સમય દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહતો રમ્યો. તે IPLની શરૂઆતની મેચ પણ ચૂકી ગયો હતો. ગયા કેલેન્ડર વર્ષમાં, તે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ ભાર ઉઠાવનાર બોલર હતો. તેના કામના ભારણને પહોંચી વળવા માટે, સિલેક્ટર્સ તેને ઈંગ્લેન્ડ સામેની પાંચેય ટેસ્ટમાં નથી રમાડવા માંગતા.
બુમરાહનું સ્થાન કોણ લેશે?
હવે પ્રશ્ન એ છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં બુમરાહ (Jasprit Bumrah) ની જગ્યાએ વાઈસ-કેપ્ટન કોણ હશે? હાલમાં, તે નામ વિશે કોઈ માહિતી નથી પરંતુ વાઈસ-કેપ્ટન બનવાની રેસમાં રિષભ પંત અને શુભમન ગિલના નામ આગળ આવી શકે છે.