
મહેસાણા જિલ્લામાં વાહનચોરો બેફામ બન્યા છે. મહેસાણા જિલ્લા અને ગ્રામ્યમાં વાહનચોરીની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લઈ પોલીસ તંત્ર દોડતી થઈ છે. વિજાપુરના કુકરવાડા ગામે ધોળા દિવસે એક ગઠિયો પાર્ક કરેલી બાઈક ઉઠાવી પલાયન થઈ ગયો હતો. આ ઘટના સવારે આઠ વાગ્યે બની હતી. બાઈક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે સવારે આઠ વાગ્યાના સુમારે ધોળા દિવસે માત્ર 10 મિનિટમાં જ ગઠિયો પાર્ક કરેલી બાઈક ચોરીને ફરાર થઈ ગયો હતો. આસપાસમાં લોકો આવન-જાવન કરી રહ્યા હતા છતાં ગઠિયો ભારે સિફતપૂર્વક બાઈક લઈને ઘટનાસ્થળેથી રફુચક્કર થઈ ગયો હતો. જો કે, ધોળા દિવસે બાઈકચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થઈ હતી. બાઈકના માલિકે વસઈ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ આપી હતી. પોલીસે અજાણ્યા બાઈક ચોર વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.