
Rajkot news: રાજકોટ પંથકમાં આવેલું સરધાર ગામ આજે સ્વયંભૂ બંધ રહ્યું હતું. કારણ હતું અસામાજિક તત્વોના ત્રાસથી ગ્રામજનો એકઠા થઈને બંધ પાળ્યો હતો. બાદમાં આક્રોશ સભાનું આયોજન કરી ગામમાં અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. સરધાર ગામમાં અવાર નવાર અસામાજિક તત્વો વેપારીઓ પર હુમલો કરતા હોવા ઉપરાંત અન્યોને રંજાડતા હોવાની ફરિયાદો ઉઠી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લામાં આવેલા સરધાર ગામમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવી રહ્યો છે. અવારનવાર સરધાર ગામમાં માથાભારે તત્વો વેપારીઓને રંજાડતા હોવાની ફરિયાદો ઉઠી છે. સરધાર ગામમાં દુકાન ધરાવતા ટાયરના વેપારી પર અસાજિક તત્વોએ હુમલો કર્યો હતો. જો કે, પોલીસ ફરિયાદ કરવા છતાં હજી સુધી આરોપી ઝડપાયા નથી. આ વખતે પણ વેપારી પર હુમલો કરી અસામાજિક તત્વોએ મારવાની ધમકી આપી હતી. જેથી સરધાર ગામમાં અસામાજિક તત્વોનો કાયમ માટે માથાભારે તત્વોના ત્રાસથી મુક્તિ આપવા ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં આક્રોશ સભા યોજી આવા તત્વો સામે આકરી કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગણી કરી હતી.