VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વાડીનાર પોર્ટ પર આજે બપોરના સમયે દરિયામાં એકસાથે 10 જેટલા ઊંટ પાણીના પ્રવાહમાં તણાઈને આવ્યા હતા. જેથી આ ઊંટને જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ 10 જેટલા ઊંટ સિંગચ ગામના માલધારીના હોય એવી પ્રાથમિક માહિતી મળતાની સાથે વહીવટી તંત્ર અને પોલીસે કામગીરી શરૂ કરી દીધી હતી. વાડીનારના દીનદયાલ બંદર પર દરિયામાંથી ઊંટ તણાઈ આવતા પોલીસ દ્વારા ઊંટના ટોળાનું રૅસ્ક્યૂ કરી મૂળ માલિકને ઊંટ સોંપવાની કામગીરી કરવામાં આવી હતી.
ભારે વરસાદ વચ્ચે દરિયામાં આવી રીતે એકસાથે 10 ઊંટ પાણીમાં તણાઈને આવવાની ઘટના જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. કારણ કે, ચોમાસાને લીધે દરિયામાં ભારે કરન્ટ હોવાથી માછીમારો કે દરિયામાં ફરતી બોટ પણ તરી નથી શકતી ત્યારે આટલી મોટી સંખ્યામાં ઊંટ કઈ રીતે આવ્યા એવું લોકો વિચારી રહ્યા હતા.