
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ 2 જુલાઈથી એજબેસ્ટન ખાતે રમાશે. બંને ટીમોએ આ ટેસ્ટ મેચ માટે તૈયારીઓ કરી રહી છે. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, હવે ટીમ ઈન્ડિયા બીજી મેચ કોઈપણ કિંમતે જીતીને વાપસી કરવા માંગશે. આ મેચમાં, ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પાસે વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ તોડવાની તક હશે. વિરાટે એજબેસ્ટનમાં ભારતીય ખેલાડી તરીકે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે અને પંત પાસે આ રેકોર્ડ તોડવાની તક હશે.
શું રિષભ પંત વિરાટ કોહલીને પાછળ છોડી દેશે?
વિરાટ કોહલી તેની ટેસ્ટ કારકિર્દીમાં એજબેસ્ટન મેદાન પર ફક્ત 2 મેચ રમી શક્યો છે. તે 2 મેચની 4 ઈનિંગ્સમાં વિરાટના બેટમાંથી 231 રન આવ્યા છે. આ દરમિયાન, તેની એવરેજ 57.75 રહી છે. આ મેદાન પર વિરાટનો હાઈએસ્ટ સ્કોર 149 રન છે, જે તેણે 2018માં બનાવ્યો હતો. રિષભ પંતની વાત કરીએ તો, તેણે આ મેદાન પર અત્યાર સુધી ફક્ત એક જ ટેસ્ટ મેચ રમી છે. તે એક ટેસ્ટ મેચની બંને ઈંનિંગ્સમાં, પંતે 101.50ની એવરેજથી 203 રન બનાવ્યા છે. પંતે આ મેદાન પર સદી પણ ફટકારી છે અને તેનો હાઈએસ્ટ 146 રન છે. આ મેદાન પર ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે પંત વિરાટથી માત્ર 28 રન પાછળ છે. તે આગામી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડી શકે છે.
લીડ્સ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન
રિષભ પંતે લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તે મેચની બંને ઈનિંગ્સમાં તેના બેટમાંથી સદી જોવા મળી હતી. તેણે પહેલી ઈનિંગમાં 134 રન બનાવ્યા હતા, જ્યારે તે બીજી ઈનિંગમાં 118 રન બનાવીને આઉટ થયો હતો. જો ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ટેસ્ટ મેચ જીતવી હોય, તો પંતે ત્યાં પણ આવી જ રીતે પ્રદર્શન કરવું પડશે. હવે જોવાનું એ રહે છે કે તે સિરીઝની બાકીની મેચોમાં આ ફોર્મ ચાલુ રાખી શકશે કે નહીં.