
વિસાવદરની વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ ભાજપ માટે આંચકારૂપ બની રહ્યું છે. આખુય સંગઠન અને સરકારી તંત્ર વિસાવદરની ચૂંટણી જીતવા માટે કામે લાગ્યું હતું છતાંય આ બેઠક પર જીત હાંસલ થઇ શકી નહતી. સૌરાષ્ટ્રની આ બેઠક પર જેમનું પ્રભુત્વ છે તે મંત્રી રાઘવજી પટેલ પણ ઝાઝુ ઉકાળી શક્યા નહતા. આ ઉપરાંત બળવાખોર નેતા જવાહર ચાવડા પણ ભાજપ હાઇકમાન્ડના રડાર પર છે. વિસાવદર ચૂંટણી જીતવાની જેના પર જવાબદારી સોંપવામાં આવી હતી તે જયેશ રાદડિયાનો પણ ભાજપે ખેલ પાડ્યો છે.
વિસાવદરની ચૂંટણીમાં ભાજપની કારમી હાર
વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર થઇ છે. એવી ચર્ચા છે કે, આ પરિણામ ભાજપના કેટલાંય નેતાઓની કારકિર્દી નક્કી કરશે. ગોપાલ ઇટાલિયાને ગાંધીનગર આવતાં રોકવા માટે ભાજપે ઘણાં ઉધામા મચાવ્યા હતાં. ભાજપના સ્ટાર પ્રચારકોથી માંડી કેબિનેટ મંત્રીઓએ વિસાવદરમાં ધામા નાંખીને AAPને હરાવવા ધમપછાડા કર્યા હતાં પણ કઇ મેળ પડ્યો નહીં. મહત્ત્વની વાત એ છે કે વિસાવદર મતવિસ્તારમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની સાથે મંત્રી રાઘવજી પટેલે પણ ખુબ પ્રચાર કર્યો હતો તેમ છતાંય પાટીદાર મતદારોને રીઝવી શક્યા નહતા.
પાટીદાર મતદારોએ ગોપાલ ઇટાલિયાની જ પસંદગી કરી હતી. એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાદડિયાની સાથે રાઘવજી પણ હાઇકમાન્ડના નિશાના પર છે. જો મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો રાઘવજી પટેલની વિદાય નક્કી છે. ગોપાલ ઇટાલિયાની જીત અને ભાજપની હારમાં બળવાખોર નેતા જવાહર ચાવડાની મુખ્ય ભૂમિકા રહી છે ત્યારે તેમની વિરૂદ્ધ કમલમથી શિસ્તભંગના પગલાં લેવાય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. આમ વિસાવદરનું પરિણામ કેટલાય નેતાઓને લઇ ડૂબશે.