
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત વી એસ હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ કૌભાંડ મામલે હવે હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા લખવામાં પત્ર આવ્યો છે. તત્કાલીન વી એસ સુપ્રિટેન્ડન્સ સામે પગલાં ભરવા માંગ કરી છે. તત્કાલીન સુપ્રિટેન્ડન્ટ મનીષ પટેલ સામે એફઆઇઆર કરવાની સાથે ક્રિમિનલ કેસ કરવાની માંગ કરાઈ છે. ભૂતકાળમાં પણ મનીષ પટેલ દ્વારા રસીદ કાંડ કરવામાં આવ્યું હતું. મનીષ પટેલ ઉપરાંત વર્તમાન સુપ્રિટેન્ડન્ટ સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી છે. વર્તમાન સુપ્રિટેન્ડન્ટ દ્વારા જરૂરી તકેદારી ન રાખાઈ હોવાની વાત કરાઈ છે.
સસ્પેન્ડ કરાયેલ ડૉ. દેવાંગ રાણાની ઓફિસમાંથી રીસર્ચને લગતી સામગ્રીની ચોરી
વી.એસ.હોસ્પિટલ ખાતે ક્લિનિકલ રીસર્ચ કૌભાંડમાં એક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થવા પામ્યો છે. સસ્પેન્ડ કરવામાં આવેલા ડૉક્ટર દેવાંગ રાણાની ઓફિસમાંથી રીસર્ચને લગતા મહત્વના દસ્તાવેજો અને સામગ્રીની ચોરી થઈ ગઈ છે. આ અંગેની ફરિયાદ મેડીકલ કોલેજના ડીનને કરી હતી. ત્રણ મહીનાના સી.સી.ટી.વી.ફુટેજ પણ માંગ્યા હતા. પરંતુ તે આપવામાં આવ્યા નથી. આ મામલે તેમણે જાન્યુઆરી-25માં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
મ્યુનિ.દ્વારા બનાવવામાં આવેલી તપાસ કમિટી દ્વારા હજુ સુધી તમામ દસ્તાવેજ મળ્યા નથી એમ કહેવાયુ છે. ત્યારે ડૉક્ટર દેવાંગ રાણાએ તેમની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજોની ચોરી થઈ હોવાની કરેલી રજૂઆત અને આક્ષેપ અંગે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરાશે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય બની છે.
વી.એસ.હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ડૉક્ટર દેવાંગ રાણાએ 25 જાન્યુઆરી-2૦25ના રોજ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં કરેલી રજૂઆત મુજબ,તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પત્રમાં આઠમા નંબરના મુદ્દામાં તેમણે લખ્યુ છે કે, મેં ડીનને ચોરી, જાસૂસી અને ગેરરીતિઓ મામલે ફરિયાદ કરી છે. ક્લિનિકલ ટ્રાયલ, ફાઈલો, મહત્વના દસ્તાવેજો અને ભંગાર સામગ્રી પણ મારી ઓફિસમાંથી ચોરાઈ ગઈ છે.
જે અંગેના ત્રણ મહિનાના સી.સી.ટી.વી.ફુટેજ મેં જોવા માંગ્યા હતા. પરંતુ તેઓએ વ્યકિતગત સ્વાર્થ માટે ચોકકસ વ્યકિતઓને બચાવવા માટે જાણી જોઈને ત્રણ મહીનાના સી.સી.ટી.વી ફુટેજ આપવાનો ઈન્કાર કર્યો હતો. જયારે મેં ચોરી માટે પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે મારા ઉપર પોલીસ ફરિયાદ કરવા અને ડીનને ગેરમાર્ગે દોરવા માટે લેખિતમાં માફી માંગવા માટે ભારે માનસિક દબાણ કરવામાં આવ્યુ હતું.