
VS હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. 11 માસના કોન્ટ્રાક્ટ પર રહેલા સસ્પેન્ડ કરાયેલા ડોક્ટરોએ પત્ર લખીને સણસણતો જવાબ આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, અમારા પર ખોટા આરોપ મૂકવાથી અમારી VSમાં પાછા ફરજ પર આવવાની કોઈ ઈચ્છા નથી. તમામ નાણાકીય વ્યવહારો સુપ્રિન્ટરની મંજૂરીથી જ કરવામાં આવ્યા છે. નાણાકીય વ્યવહારો ઉપર પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરનો અંકુશ હોતો નથી.
એથિક્સ કમિટી CTRI DCCI ની પરવાનગી લીધા બાદ જ ટ્રાયલ થાય છે
જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે, ટ્રાયલ માટે એથિક્સ કમિટી CTRI DCCI ની પરવાનગી લીધા બાદ જ ટ્રાયલ કરાય છે. ખોટા આરોપના કારણે અમારી કારકિર્દી પર ગંભીર અસર અને ન્યાયના સિદ્ધાંતમાં માનવ અધિકારો પર તરાપ મારવામાં આવી છે. વહીવટી કામગીરી અને પોલીસી નક્કી કરવાની અમારી પાસે કોઈ સત્તા નથી. નાણાકીય વ્યવહારો માટે સુપ્રિટેન્ડ અને ક્લિનિકલ ટ્રાયલના વડાની જાણ થયા બાદ જ સહી થાય છે.
સસ્પેન્ડ કરવાના હુકમ કરતા પહેલા અમને સાંભળવામાં નથી આવ્યા
આ અંગે ડો.રોહન પટેલ, ડો કુણાલ સથવારા, ડૉ ધૈવત શુક્લા, ડૉ રાજવી શાહ, ડૉ યાત્રી પટેલ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. તપાસ કમિટીમાં કેટલા સભ્યો હતા અને શું તપાસ કરવામાં આવી તેની માહિતી માંગવામાં આવી હતી. સસ્પેન્ડ થયેલા ડોક્ટરોએ તપાસ કમિટીના અહેવાલની નકલ માંગી હતી. તપાસ કમિટીમાં શું તપાસ કરી તેમને સસ્પેન્ડ કરાયા તેની માહિતી માંગવામાં આવી હતી. સસ્પેન્ડેડ ડોક્ટરે જણાવ્યું હતું કે, સસ્પેન્ડ કરવાના હુકમ કરતા પહેલા અમને સાંભળવામાં આવ્યા નથી.