
આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે વરસતા વરસાદ વચ્ચે પણ ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજીભાઇ હળપતિની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોકણી પણ જોડાયા હતા.
શાળા કોલેજના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
તાપી જિલ્લા કક્ષાના યોગ દિવસ કાર્યક્રમની ખુલ્લા મેદાનમાં ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યોગ ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ સૌએ વિવિધ યોગાસનો કર્યા હતા.
યોગનું મહત્વ સમજાવાયું
પ્રાચીન ભારતીય પરંપરામાં યોગનું મહત્વ સમજાવતા આ કાર્યક્રમમાં વક્તાઓએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ પણ હજારો લોકોએ એકસાથે યોગ કરી આ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. યોગપ્રેમીઓએ વરસતા વરસાદમાં પણ મક્કમ નિર્ધાર સાથે યોગાભ્યાસ કર્યો હતો.