
રાજ્યમાં મહિલાઓને તેમના હક્ક અને ન્યાય અપાવવા માટે 181 અભયમ હેલ્પલાઈન મદદ કરે છે ત્યારે સોનગઢમાં થર્મલ પાવર સ્ટેશનમાં કાર્યરત એક વ્યક્તિ દ્વારા તેની પત્નીને નિયમિત માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ રોજિંદી નાની-નાની બાબતો જેવી કે ભોજન બનાવવું અને ઘરની સફાઈને લઈને ઝઘડો કરતો હતો.
મહિલાને રાત અગાશી પર વિતાવવી પડી
પતિએ મહિલાને રાત્રે મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. મહિલાને આખી રાત અગાશી પર વિતાવવી પડી હતી. બીજા દિવસે સવારે ઘરે પરત ફરતા ફરી ઝઘડો થયો અને મારપીટ થઈ હતી. આ પછી પીડિત મહિલા ઘરેથી નીકળી ગઈ અને આખો દિવસ રેલવે સ્ટેશન પર બેસી રહી હતી. મોડી રાત્રે તે એક મંદિર પાસે આશરો લઈ રહી હતી, ત્યારે એક સજ્જને 181 અભયમ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માટે જાણ કરી હતી.
મહિલાને ઉગારી
તાપી 181ની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલાએ જણાવ્યું કે તેની બે દીકરીઓ છે અને હાલમાં તેના સસરા બીમાર હોવાથી તેમની સારવાર માટે બોલાવ્યા હતા, જેના કારણે પણ પતિ સાથે વિવાદ થયો હતો. 181ની ટીમે મહિલાને ઘરે પરત ફરવા સમજાવી, પરંતુ તે ત્યાં જવા ઇચ્છતી ન હતી. ત્યારબાદ ટીમે તેને સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપી. મહિલાની ઇચ્છા મુજબ તેને વ્યારા સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે. હાલમાં સેન્ટર દ્વારા આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.