
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે અમદાવાદની પ્લેન દર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેને ભારત પ્રત્યે ખૂબ પ્રેમ છે પરંતુ હવે એર ઈન્ડિયામાં મુસાફરી કરતો કદાચ તે નહીં જોવા મળે. અમદાવાદની દુર્ઘટના બાદ વોર્નરે નિર્ણય લીધો છે કે તે હવે ક્યારેય એર ઈન્ડિયામાં મુસાફરી નહીં કરે. વોર્નરે એક પછી એક દુર્ઘટનાઓને લઈને આ નિર્ણય લીધો છે. ડેવિડ વોર્નરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રકારની વાતો કરી છે.
ડેવિડ વોર્નરનો મોટો નિર્ણય
ઓસ્ટ્રેલિયાના ડાબોડી પૂર્વ ઓપનરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે, અમદાવાદ વિમાન દુર્ઘટના ખરેખર ખૂબ જ દુઃખદ છે. તેની ઈચ્છા આખા પરિવારને એર ઈન્ડિયામાં મુસાફરી કરાવવાની હતી. પરંતુ હવે તે ક્યારેય એર ઈન્ડિયામાં મુસાફરી નહીં કરે.
પૂર્વ ક્રૂ મેમ્બરના આરોપનો ઉલ્લેખ
ડેવિડ વોર્નરના આ નિવેદનનું કારણ એર ઈન્ડિયાના પૂર્વ ક્રૂ મેમ્બર દ્વારા લગાવેલો એ આરોપ છે. જેમા તેણે ખરાબ એરક્રાફ્ટના સતત ઉપયોગનો ઉલ્લેખ કર્યો હતો. વોર્નરે વધુ એક સ્ટોરી પોસ્ટ કરી જેમાં તેણે જાણકારી આપતા લખ્યુ કે બોઈંગનું વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ રીતે નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમીને નફો મેળવવો શર્મજનક છે.
ડેવિડ વોર્નરની કારકીર્દી
ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 15 વર્ષ ક્રિકેટ રમ્યો હતો. આ દરમિયાન તેણે 112 વનડે, 162 ટેસ્ટ તથા 110 ટી-20 મેચ રમી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ ત્રણેય ફોર્મેટમાં મળીને ડેવિડ વોર્નરે 18000થી વધુ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના આ ઓપનર બેટરના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 49 સદી નોંધાયેલી છે. જેમાં સૌથી વધુ 26 ટેસ્ટમાં અને 22 વનડેમાં જ્યારે એક સદી ટી 20માં નોંધાયેલી છે. આઈપીએલમાં 184 મેચોમાં 6565 રન બનાવ્યા છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 126 રન સામેલ છે.