
Ahmedabad Plane Crash News: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિજય રૂપાણી સહિત 241 લોકોના મોત નિપજ્યા છે. વિજય રૂપાણીના ગાંધીનગરના નિવાસ્થાને મોટી સંખ્યામાં નેતાઓ પહોંચી રહ્યા છે. દિલીપ સંઘાણી, પુરષોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજન નેતાઓએ વિજય રૂપાણીના પત્ની સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી. મીડિયા સાથે વાત કરતા દિલીપ સાંઘાણી, શંકરસિંહ ચૌધરી અને પરષોત્તમ રૂપાલાએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી આપી હતી.
વિજયભાઈના જવાથી ભાજપને મોટી ખોટ : મંત્રી કુંવરજી હળપતિ
મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું કે, વિજયભાઈના જવાથી ભાજપને મોટી ખોટ થઈ છે અને ભાજપ ક્યારેય આ ખોટ પુરી શકશે નહિ. ભાજપે ઘરના મોભી ગુમાવ્યા છે. ઈમર્જન્સી વખતે વિજયભાઈને પાટણ અધિવેશન માટેની તૈયારી માટે મોકલ્યા હતા, તે વખતે મારા ઘરે આવીને રોકાયા અને તૈયારીઓ કરી. તે સમયથી વિજયભાઈ સાથે કામ કરતા રહ્યા. વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી એ વિશ્વાસ નથી થતો. સ્નેહી, વડીલ, વિજયભાઈના મૃત્યુ અંગે સંવેદના.
વિજયભાઈ સાથે ઘણું કામ કર્યું : દિલીપ સાંઘાણી
દિલીપ સાંઘાણીએ કહ્યું, ગઈકાલે ઘટના બની તેની વિશ્વ કક્ષાએ ચર્ચા થઈ રહી છે. વિમાનમાં મોટા ભાગના ગુજરાતીઓ હતા. આ વિમાનમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા. વિજય રૂપાણી સાથે વિદ્યાર્થી પરિષદ, કટોકટીમાં કામ કર્યું, ભાજપ પક્ષની સ્થાપના દરમિયાન કામ કર્યું. વિજયથી ક્યારે કોઈ વ્યક્તિને દુઃખ થયું નથી. હું વિજયના મોતથી દુઃખ વ્યક્ત કરું છું.
પરસોતમભાઈ રૂપાલાએ વિજય રુપાણી સાથેની જુની વાતો યાદ કરી
પરસોતમભાઈ રૂપાલાએ વિજયભાઈ સાથે પોતાની યાદ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, માનસિક રીતે સ્વીકારી ન શકાય તેવો અમને સદમો છે. વિજયભાઈ રૂપાણી વર્ષોથી અમારા પાયાના કાર્યકર્તા હતા.
માની ન શકાય તેવી દુર્ઘટના : શંકરભાઈ ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું, માની ન શકાય તેવી દુર્ઘટના બની ગઈ છે. મુકવા માટે આવેલા લોકોને કદાચ સપને પણ ખ્યાલ નહિ હોય કે તેમને અંતિમ મુલાકાત હશે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકે ખૂબ સારી કામગીરી કરી હતી. સંગઠનના કાર્યકર તરીકે મને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. વિજયભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે મને સરકાર મંત્રી તરીકે કામ કરવાનું મોકો મળ્યો હતો. આજે અમે એક નેતા નહિ પરંતુ જાહેર જીવનનું વ્યક્તિત્વ ગુમાવ્યું છે.