
Bharuch news: ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના અનેક આદિવાસી ગામોમાં આજે પણ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડે છે. પાંચ દશક જૂના બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની કેનાલો તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી,આશરે 8535 હેક્ટર જમીનમાંથી માત્ર 400 હેક્ટર સુધી જ પાણી પહોંચે છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ત્રણેય ડેમની કેનાલોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને ડેમોને ઊંડા કરીને તેમની પાણી સંગ્રહ ક્ષમતા વધારવી જોઈએ.હાલની સ્થિતિ મુજબ, બલડેવા અને પીંગોટ ડેમની કેનાલોની લંબાઈ અનુક્રમે 8150 મીટર અને 11027 મીટર છે, જ્યારે ધોલી ડેમની કેનાલ 6.23 કિ.મી. છે.
મૂળ સમસ્યા એ છે કે ડેમોમાં 80 ટકા સુધી માટી પુરાઈ ગઈ છે,જેના કારણે વરસાદી પાણી ભરાય તે પહેલાં જ ઓવરફ્લો થાય છે.સરકારે આ ડેમોને 100% ભરાયેલા તરીકે નોંધે છે, પરંતુ જમીન પરની હકીકત બિલકુલ જુદી છે.આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે હવે સ્થાનિકો અને ખેડૂત સંગઠનો ડેમોના ઊંડાણ અને કેનાલોના સમારકામ માટે સત્તાધીશોને રજુઆત કરવા તૈયાર થયા છે. ટ્રાઈબલ વિસ્તારોમાં સિંચાઈની સમસ્યા અંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ રજૂઆત કરી છે.
ટ્રાઇબલ વિસ્તારો જેમ કે વાલિયા, ઝઘડિયા, નેત્રંગ અને સાગબારામાં કુલ ચારથી વધુ મોટા ડેમો આવેલા હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. આ ગંભીર મુદ્દે અમે રાજ્ય અને કેન્દ્ર સાંસદ મનસુખભાઈ વસાવા એ સરકારમાં રજૂઆત કરી છે.ઉકાઈ કેનાલ યોજના હેઠળ હવે ડેડીયાપાડા તાલુકાને સિંચાઈ માટે પાણી મળે તેવી શક્યતા છે. એટલું જ નહીં, કરજણ ડેમનું પાણી જે કોતરોમાં છોડી દેવામાં આવે છે, તેનું ધોલી ડેમ તરફ ડાઈવર્ટ કરવામાં આવે તો 15થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી મળી શકે.સાથે બલદવા ડેમના પાણીનું પણ યોગ્ય આયોજન થવું જોઈએ, જેથી તે પાણી વેડફાઈ ન જાય અને ખેડૂતો માટે ઉપયોગી બની રહે.