
Ambaji news: ઉત્તર ગુજરાતના જાણીતા શક્તિપીઠ એવા અંબાજીમાં અત્યારે કાળઝાળ ગરમીમાં પાણીનો પોકાર ઉઠયો છે. અંબાજીમાં લોકો દેશ-વિદેશથી દર્શને આવી પોતાની જાતને ધન્ય માને છે ત્યાં આજકાલ પાણી વિતરણની સમસ્યાને લીધે મહિલાઓ ગ્રામ પંચાયત વિરુદ્ધ રણચંડી બની માટલાં ફોડી વિરોધ નોંધાવવાની નોબત આવી છે. અંબાજી ગ્રામ પંચાયત પાણીની સુવિધા આપવા સદંતર નિષ્ફળ જતા આખરે મહિલાઓ વિરોધ નોંધાવવા પહોંચી હતા. અંબાજી મંદિરના પાછળ આવેલા બ્રહ્મપુરી વાસમાં ચાર દિવસ પાણી આવે છે તેવો મહિલાઓનો આક્ષેપ છે. જેને લઈ આખરે આજે વિરોધ નોંધાવી ગ્રામ પંચાયત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના જાણીતા યાત્રાધામ અંબાજીમાં મંદિરની પાછળ આવેલા બ્રહ્મપુરી વાસમાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામ પંચાયત તરફથી અપાતા પાણી વિતરણને લઈ સવાલો ઉઠયા છે. મહિલાઓનો આક્ષેપ છે કે પૈસા આપો તો જ પાણી અપાય છે. ચાર દિવસે એકવાર પાણી આવે છે. જેથી આજે 20 એપ્રિલના રવિવારના સવારે મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો ગ્રામ પંચાયતની પાણી વિતરણની બેદરકારી અને કામગીરીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી માટલાં અને ખાલી વાસણો સાથે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ અનેકવાર અંબાજી ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિકાલ ન કરાતા આખરે મહિલાઓ રણચંડી બનીને વિરોધ નોંધાવ્યો હતો.