સુરતમાં વરસતો અનરાધાર વરસાદ યથાવત છે. જેના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સીમાડા વિસ્તારની ખાડી ઓવરફ્લો થતાં ખાડીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. સ્થાનિક રહેવાસીઓને ઘરમાં પાણી ઘૂસતાં જિંદગી અસ્ત-વ્યસ્ત બની ગઈ છે. પાલિકાના શાસકો દ્વારા અગાઉ કરવામાં આવેલા દાવાઓ — કે “ખાડી પૂરે નહીં” આવે તે ખોટા સાબિત થયા છે. ખાડીઓની યોગ્ય રીતે સફાઈ નહીં થતા અને ડ્રેનેજની વ્યવસ્થા ધ્વસ્ત થતાં ફરીથી લોકોને પાણીના ભરાવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘણા વિસ્તારોમાં રસ્તા પર કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે. લોકો ઘરમાં કે ઓફિસમાં ફસાઈ ગયા છે અને શહેરના અમુક વિસ્તારોમાં શાળાઓ પણ બંધ કરવી પડી છે. પ્રશાસન દ્વારા હાલ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી, જેના કારણે નાગરિકોમાં રોષ છે. લોકો માંગ કરી રહ્યા છે કે સ્થાનિક શાસન તંત્ર જલ્દીથી વ્યવસ્થા સુધારે અને છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા વરસાદી સમસ્યાનું કાયમી ઉકેલ લાવે.