Home / India : Four RIMS doctors drowned after bathing in deep water in waterfall

ધોધમાં મસ્તી અને ઊંડા પાણીમાં નહાવાનો ચસકો ભારે પડ્યો, RIMSના ચાર ડૉક્ટરો ડૂબ્યા, એકનું મોત

ધોધમાં મસ્તી અને ઊંડા પાણીમાં નહાવાનો ચસકો ભારે પડ્યો, RIMSના ચાર ડૉક્ટરો ડૂબ્યા, એકનું મોત

ઝારખંડની રાજધાની રાંચીમાં પાણીના ધોધમાં ન્હાવા પડેલા ચાર ડૉક્ટરોમાંથી એક ડૉક્ટરનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. જિલ્લાની રિમ્સ હોસ્પિટલના 26 ઈન્ટર્ન ડૉક્ટોનું ગ્રૂપ પિકનિક મનાવવા માટે રાંચીથી 40 કિલોમીટર દૂર પાણીના ધોધમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થયેલા ચાર ડૉક્ટરોમાંથી એકનું મોત થતા હડકંપ મચી ગયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પિકનિક મનાવવા ગયું હતું 26 ડૉક્ટરોનું ગ્રૂપ

મળતા અહેવાલો મુજબ રાંચીના બરિયાતૂ સ્થિત રિમ્સ હોસ્પિટલના 2019 MBBS બેંચના 26 ઈન્ટર્ન ડૉક્ટરોએ પિકનિકનું આયોજન કર્યું હતું. આ માટે તેઓ ખૂંટી જિલ્લાના તોરપાના પ્રસિદ્ધ પેરવાધાધ પાણીના ધોધ ગયા હતા. અહીં ડૉ.અભિષેક ખલખો, ડૉ. કીર્તિવર્ધન, ડૉ.જાસુઆ ટોપ્પો અને ડૉ.અજય મોદી સહિત અન્ય લોકો ન્હાવા પડ્યા હતા. જોકે જોતજોતામાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ત્રણ ડૉક્ટરોને સુરક્ષિત બચાવાયા

ચારેય ડૉક્ટરોને ડૂબતા જોઈ અન્ય ડૉક્ટરોએ બુમો પાડવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન સ્થાનીક તરવૈયાઓએ તાત્કાલીક ઘટનાસ્થળે આવી ઊંડા પાણીમાં ઉતરી ત્રણ ડૉક્ટરોને સુરક્ષિત બચાવી લીધા હતા, જ્યારે ડૉ.અભિષેક ખલખોને પાણીમાંથી બહાર કઢાયા, ત્યારે તેમની હાલત ખૂબ ગંભીર હતી. ત્યારબાદ ખલખોને તોરપાની હોસ્પિટલમાં લઈ જઈ પ્રાથમિક સારવાર અપાઈ હતી. તેમ છતાં તેઓની સ્થિતિ બગડતા આખરે તેમને રિમ્સ હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

પાણીમાં ડૂબી જવાથી ડોક્ટરનું મોત

RIMS હોસ્પિટલ પહોંચેલા ડોક્ટર અભિષેક ખલખોને તપાસ બાદ ડોક્ટરોની ટીમે મૃત જાહેર કર્યા હતા. ડૉ. ખલખો એમબીબીએસ પૂર્ણ કર્યા પછી રાંચીની RIMS હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરી રહ્યા હતા. મૃતક ડોક્ટર મૂળ ખૂંટીના વતની હતા. તેમનો આખો પરિવાર મહારાષ્ટ્રના નાગપુરમાં રહે છે.

Related News

Icon