
Pope Francis Passed Away: પોપ ફ્રાન્સિસનું સોમવારે અવસાન થયું છે. વેટિકન કેમરલેનગો કાર્ડિનલ કેવિન ફેરેલે કહ્યું છે કે પોપ ફ્રાન્સિસે સોમવારે રોમ સમય મુજબ સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 88 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. કેવિન ફેરેલે પોતાના નિવેદનમાં કહ્યું કે પોપ ફ્રાન્સિસનું સમગ્ર જીવન ભગવાન અને ચર્ચની સેવા માટે સમર્પિત હતું. તેમણે હંમેશા લોકોને પ્રેમ અને હિંમતથી જીવવાનું શીખવ્યું. પોસ ફ્રાન્સિસના મૃત્યુ પછી, વિશ્વભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પોપ ફ્રાન્સિસના અવસાન પછી, હવે નવા પોપની પસંદગી કરવામાં આવશે. કાર્ડિનલ્સ સાથે મળીને નવા પોપની પસંદગી કરશે.
પોપ ફ્રાન્સિસ કોણ હતા?
પોપ ફ્રાન્સિસનો જન્મ 17 ડિસેમ્બર, 1936ના રોજ આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં થયો હતો. તેમનું નામ જોર્જ મારિયો બર્ગોગ્લિયો હતું. પોપ ફ્રાન્સિસ પોપનો તાજ પહેરાવનાર પ્રથમ જેસુઈટ હતા. ધર્મના માર્ગ પર આવતા પહેલા, જોર્જ મારિયો બર્ગોગ્લિયોએ કેમિકલ ટેકનિશિયન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લાંબા સમય સુધી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેમનો ધર્મ પ્રત્યેનો ઝુકાવ વધ્યો અને તેઓ ચર્ચમાં જોડાયા. જ્યારે પોપ 21 વર્ષના હતા, ત્યારે તેમને ન્યુમોનિયા થયો હતો, જેના કારણે તેમના ફેફસાનો એક ભાગ દૂર કરવો પડ્યો હતો. 1958માં, તેઓ ખ્રિસ્તી પરંપરા, જેસુઈટમાં જોડાયા અને ધાર્મિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તેઓ 1969માં પાદરી બન્યા હતા.
પોપ ફ્રાન્સિસ પોપના પદ પર પહોંચનારા પ્રથમ લેટિન અમેરિકન ધર્મગુરુ હતા. તેમને 2013માં પોપની ઉપાધી મળી હતી. પોપ ફ્રાન્સિસે પોપ તરીકેના તેમના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્ત્વપૂર્ણ કામ કર્યા હતા.
સમલૈંગિક કપલ્સને આશીર્વાદ આપવાની પરંપરા શરૂ કરાવી
1992માં, પોપ ફ્રાન્સિસ બ્યુનોસ એરેસના સહાયક બિશપ તરીકે નિયુક્ત થયા. તેઓ 1998માં આર્કબિશપ બન્યા અને 2001માં તેમને કાર્ડિનલનું બિરુદ મળ્યું. 2013માં, જ્યારે બેનેડિકટે સોળમા પોપ પદ પરથી રાજીનામું આપ્યું, ત્યારે પોપ ફ્રાન્સિસને તેમના સ્થાને પોપ બનાવવામાં આવ્યા. જ્યારે પોપ ફ્રાન્સિસ 2013માં ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ બન્યા, ત્યારે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન વેટિકન અમલદારશાહીમાં મોટા ફેરફારો કર્યા. તેમણે વેટિકનના વહીવટમાં પારદર્શિતા પણ લાવી. પોપ તરીકે, પોપ ફ્રાન્સિસે ચાર મુખ્ય ધાર્મિક દસ્તાવેજો લખ્યા, 65 દેશોની મુલાકાત લીધી અને 900થી વધુ સંતોને સંત તરીકે માન્યતા આપી. પોપ ફ્રાન્સિસે પાદરીઓને સમલૈંગિક કપલને આશીર્વાદ આપવાની મંજૂરી આપી, અને વેટિકનમાં મુખ્ય હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક પણ કરી. પોપ ફ્રાન્સિસ આધ્યાત્મિક નવીકરણ અને ગરીબોના કલ્યાણ પર ભાર મુક્યો હતો. તેમણે ચર્ચ નીતિમાં મદદ કરવા માટે આઠ કાર્ડિનલ્સની કાઉન્સિલ બનાવવાનું અભૂતપૂર્વ પગલું ભર્યું હતું.
ઈસ્ટર સન્ડે પર જોવા મળ્યા હતા
પોપ ફ્રાન્સિસ થોડા સમય માટે જાહેર જનતા સમક્ષ હાજર થયા અને ઈસ્ટર સન્ડે પર સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં હજારો લોકોને આશીર્વાદ આપવા માટે એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી. પોપ ફ્રાન્સિસે લોકોને ઈસ્ટરની શુભેચ્છા પણ પાઠવી હતી. જોકે, પોપ ફ્રાન્સિસે પિયાઝામાં ઈસ્ટર પ્રેયરમાં ભાગ નહતો લીધો, પરંતુ આ કામ સેન્ટ પીટર્સ બેસિલિકાના નિવૃત્ત કાર્ડિનલ એન્જેલો કોમાસ્ટ્રીને સોંપ્યું હતું.