
સુરત પાલિકા દ્વારા સીટી અને બીઆરટીએસ બસમાં ટિકિટ ચોરી અટકાવવા માટે દંડ વસુલવા અને ડ્રાઈવર કંડક્ટરને સસ્પેન્ડ અને બ્લેક લિસ્ટ સુધીની કામગીરી કરી છે. પાલિકાએ આક્રમક કામગીરી શરુ કરી છે છતાં તેની અસર ડ્રાઈવર કંડક્ટર પર થઈ નથી અને ચેકિંગના બીજા દિવસે એક આખી બસમાં પૈસા લઈને મુસાફરોને ટિકિટ આપી ન હોવાનું બહાર આવ્યું છે. આજે બીજા દિવસે ટિકિટ નહી હોવાથી પાલિકાએ 22680 રૂપિયાનો દંડ પણ વસુલ કરવા સાથે કંડક્ટરને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી હતી.
1500નો દંડ કરાયો
સુરત પાલિકાની સીટી અને બીઆરટીએસ બસમાં ટિકિટ કૌભાંડ થઈ રહ્યું છે તેને ડામવા માટે પાલિકા અને સીટી લિંક દ્વારા આકરા પગલાં ભરવા પહેલા ગઈકાલે એક બેઠક કરી હતી. જેમાં પહેલા દિવસે 15 મુસાફરો ટિકિટ વિનાના મળી આવતાં તેમની પાસેથી 1500 રુપિયાનો દંડ વસુલ્યો હતો. ત્યાર બાદ આજે ચેકિંગના બીજા દિવસે પાલિકાના આશ્ચર્ય વચ્ચે હજી પણ કંડક્ટર દ્વારા મુસાફરો પાસે પૈસા લઈને ટિકિટ ન અપાતી હોવાનું બહાર આવ્યું હતું.
કંડક્ટરને બ્લેકલિસ્ટ કરાયા
પાલિકાની આજની કામગીરી દરમિયાન ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા ખરવર નગરથી ભાઠેના સર્કલ પર રૂટ નંબર 104 તથા રૂટ નંબર 254 અને સોસીયો સર્કલ થઈને કોમલ સર્કલ પર રૂટ નંબર 105 તથા 205 ને સિટી બસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રૂટ નંબર 205ની એક બસ એવી મળી હતી. જેમાં કંડક્ટરે મુસાફરો પાસેથી ટિકિટના પેસા લીધા હતા પરંતુ એક પણ મુસાફરને ટિકિટ આપી ન હતી. જેને દસ ગણી પેનલ્ટી કરવા સાથે કંડક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે રૂટ 105 સીટી બસમાં કંડકટર પાસેથી 2250 રૂપિયા કલેક્શન થી વધારે મળી આવતા 23 પેનલ્ટી કરી કંડકટરને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરી હતી.
આઈકાર્ડ કે યુનિફોર્મ નહોતા પહેર્યા
રૂટ નંબર 205ના અન્ય એક કંડક્ટર પાસે આઈ કાર્ડ પણ ન હતો અને યુનિફોર્મ પણ પહેર્યો ન હતો તેથી સસ્પેન્ડ કરાયો છે. કોમલ સર્કલ પર પાલિકાની ટીમ ચેકિંગ કરી રહી હતી ત્યારે એક કંડક્ટર વીડિયો રેકોર્ડીંગ કરતો હો તેને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો છે. આ જ રૂટ પર એક બસ કંડક્ટર પાસેથી પર્સલન કેસ કરતા 3300 રૂપિયા વધુ મળી આવ્યા હતા તેને પણ બ્લેક લિસ્ટ કરવા માટે સુચના આપી છે. ચેકિંગ દરમિયિાન રૂટ નંબર 104ના કંડકટર યુનિફોર્મ અને આઈકાર્ડ વગર હોવાના કારણે સસ્પેન્ડ કરી ડ્રાઇવર દરવાજો ખુલ્લા રાખી ગાડી ચલાવતો હોવાથી ડોર ઓપન પેનલ્ટી કરાઈ છે. રૂટ નંબર 254ના કંડકટર પાસે આઈકાર્ડ તથા યુનિફોર્મ ન હોવાથી તેમજ બસમાં પેસેન્જરને ટિકિટ આપી ન હોવાથી એક મહિના માટે સસ્પેન્ડ કરાયો. રૂટ 104 સીટી બસ પર કંડકટર દ્વારા પેસેન્જર પાસેથી પૈસા લઈ ટિકિટ આપી ન હતી. જેથી તેને 5 પેનલ્ટી કરી બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી કરવામા આવી હતી. આમ ચેકિંગ દરમિયાન 22680 રૂપિયાનો દંડ વસૂલાયો છે.