
અમદાવાદથી લંડન જતી એક વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ વિમાનમાં અરવલ્લી જિલ્લાના ત્રણ મહિલાઓ મુસાફરી કરી રહી હતી. અકસ્માતના સમાચાર મળતા તેમના વતન વિસ્તારના લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે પરિવારજનો તેમના સંપર્કમાં આવવાના સતત પ્રયાસ કરી રહ્યા છે.
મુસાફરી કરતી મહિલાઓની ઓળખ
નુસરતબેન ચૌહાણ
મોડાસા શહેરની રહેવાસી નુસરતબેન ચૌહાણ એક મહિના પહેલા લંડનથી ભારત આવી હતી. પરિવારજનોની મુલાકાત માટે આવેલા બાદ તેઓ ફરી લંડન પરત જઈ રહ્યા હતા. દુર્ભાગ્યવશ તેઓ અમદાવાદથી લંડન જતી આ દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં સવાર હતા. પરિવારે જણાવ્યું કે નુસરતબેન પરિવાર માટે ખૂબ જ લાગણીશીલ હતી અને ભારતમાં પોતાની માતા સાથે થોડા દિવસો વિતાવી પરત જઈ રહી હતી.
જયશ્રીબેન પટેલ
મોડાસા તાલુકાના ખંભીસર ગામની જયશ્રીબેન ત્રણ મહિના પહેલાં લંડનમાં રહેતા પોતાના પતિ પાસે ગઈ હતી. હાલમાં ભારત આવીને થોડા દિવસો વીતાવ્યા બાદ તેઓ પાછા લંડન જવા માટે આ વિમાનમાં સવાર હતી. પરિવારે જણાવ્યું કે તેઓ ફ્લાઇટની વિગતો જાહેર થયા બાદથી સતત એરલાઈન કંપની તથા અધિકારીઓના સંપર્કમાં છે.
કૈલાશબેન પટેલ
બાયડની ઘનશ્યામ સોસાયટીમાં રહેતી કૈલાશબેન પટેલ પણ તેમના લંડનમાં રહેતા પુત્ર પાસે જવા રવાના થઈ હતી. તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ ખૂબ ઉત્સાહિત હતા અને પુત્રના ઘરે થોડા સમય રહેવાની યોજના બનાવી હતી.
સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી
આ દુર્ઘટનાની ખબર મળતાં મોડાસા, બાયડ અને આસપાસના ગામોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિક ગ્રામજનો અને પરિવારજનો શ્રદ્ધાંજલિ માટે એકઠાં થયા છે. દરેક પરિવાર પોતપોતાના સ્તરે તેમની માહિતી મેળવવા માટે એરપોર્ટ અધિકારીઓ તથા એનજીઓની મદદ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે.