
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. ત્યારે લંડન જતાં આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. ત્યારે આ પ્લેન દુર્ઘટનામાં સુરતના બે પરિવાર પણ હતાં. જેમાંના એક અડાજણ વિસ્તારમાં રહેતા ડોક્ટર અને રામપુરા વિસ્તારમાં રહેતું એક પરિવાર પણ આ પ્લેનમાં સવાર હતું.
ડોક્ટર સારવાર માટે લંડન જતા હતા
મળતી વિગતો મુજબ અડાજણ સ્થિત સ્મિત સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર હિતેશ શાહ તેમના પત્ની અમિતાબેન સાથે લંડન જઈ રહ્યાં હતાં. ડો. હિતેશ શાહની બીમારીની સારવાર લંડનમાં ચાલી રહી હતી. જેથી તેઓ પતિ પત્ની સારવાર માટે લંડન જઈ રહ્યાં હતાં. ત્યારે કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે, શાહ દંપતી આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતાં. લંડનમાં તેઓ તેમના બહેનને ત્યાં જતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
બકરી ઈદ મનાવવા પરિવાર આવેલું
થોડા દિવસ અગાઉ બકરી ઈદ હતી. ત્યારે બકરી ઈદ મનાવવા માટે સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા અને લંડનમાં વસવાટ માટે ગયેલા અકીલભાઈ તથા તેમના પત્ની હાનાબેન અને દીકરી સારા આવ્યા હતાં. જેઓ બકરી ઈદની ઉજવણી કર્યા બાદ ફરી લંડન જઈ રહ્યાં હતાં. આ દરમિયાન પ્લેનમાં દુર્ઘટના થઈ હતી. ત્યારે આ પરિવાર પણ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હોવાનું તેમના નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું.