
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચ ઉગ્રવાદીઓએ પાકિસ્તાની સેના પર મોટો હુમલો કર્યો છે. બલૂચ હુમલામાં ઓછામાં ઓછા 17 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. એક અહેવાલ પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે બલુચિસ્તાનના કલાત જિલ્લાના મંગોચર વિસ્તારમાં ફ્રન્ટિયર કોર્પ્સ કેમ્પ પર એક સશસ્ત્ર ઉગ્રવાદી જૂથે ભીષણ હુમલો કર્યો હતો. બલૂચ ઉગ્રવાદીઓએ આખી રાત પાકિસ્તાની સેના પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો. આ ઉપરાંત ઉગ્રવાદીઓએ ક્વેટા-કરાચી નેશનલ હાઈવે પર કબજો કરી લીધો હતો અને ત્યાં પાકિસ્તાની સેનાના વાહનોને નિશાન બનાવ્યા છે.
બલૂચોના હુમલામાં 17 જવાનોના મોત
પ્રાપ્ત માહિતી પ્રમાણે બલૂચિસ્તાનના કલાતમાં શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલા બલૂચોના હુમલામાં અત્યાર સુધીમાં 17 પાકિસ્તાની જવાનોના મોત થઈ ગયા છે અને ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક અહેવાલ પ્રમાણે સૌથી વધુ લોકો નેશનલ હાઈવે પર એક વાહન પર થયેલા હુમલામાં માર્યા ગયા છે. આ વાહન પાકિસ્તાની સેનાનું હતું. તમને જણાવી દઈએ કે, બલૂચ ઉગ્રવાદીઓએ અલગ-અલગ સ્થળ પર હુમલાને અંજામ આપ્યો છે અને આખી રાત ગોળીબાર કર્યો છે.
સહાયક કમિશનરના આવાસ પર હુમલો
અહેવાલમાં સ્વતંત્ર સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, કલાત જિલ્લામાં થયેલા ગોળીબારમાં પાકિસ્તાની સેનાની સાથે બે ચરમપંથીઓના પણ મોત થઈ ગયા છે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઈ. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે, આ વિસ્તારમાં હવે ગોળીબાર બંધ થઈ ગયો છે. બલૂચ ઈન્ટરનેશનલે જણાવ્યું કે, કે ખાલિક અબાદમાં બસો પર ગોળીબારની સાથે કલાતમાં સહાયક કમિશનરના આવાસ પર પણ હુમલો કરવામાં આવ્યો છે.
10 ચરમપંથીઓને ઠાર કર્યા: પાકિસ્તાની સેનાનો દાવો
આ વચ્ચે પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે, ખૈબર પખ્તુનખ્વામાં પાંચ અલગ-અલગ અભિયાનમાં 10 ચરમપંથીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની સેના ફરી એકવાર ચંરમપંથી હુમલાઓનો સામનો કરી રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ ચરમપંથીઓએ બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના વિસ્તારોમાં પાકિસ્તાની સેના સામે પોતાના હુમલાઓ વધુ તીવ્ર બનાવી દીધા છે.