
એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે સહમતિથી યુદ્ધ વિરામ કરવામાં આવ્યો તો બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. મળતાં અહેવાલો મુજબ યુક્રેન કોઈપણ શરત વગર 30 દિવસનું યુદ્ધવિરામ કરવા માટે માની ગયું છે. યુક્રેનના વિદેશમંત્રીએ કહ્યું કે, સોમવારથી યુદ્ધવિરામ શરુ થશે.
યુક્રેનને ચાર દેશોનું સમર્થન, કીવમાં મુલાકાત કરી
યુક્રેને આજે (10 મે) યુદ્ધવિરામ જાહેરાત કરી છે, જોકે તે પહેલાં એટલે કે શનિવારે ચાર દેશોના નેતાઓ રશિયાની રાજધાની કીવ પહોંચ્યા હતા. અહીં તેઓએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ચારેય દેશોના નેતાઓએ યુક્રેનને સમર્થન આપવા માટે તૈયાર થયા હતા.
https://twitter.com/PTI_News/status/1921159472480719179
યુક્રેન પહેલા પુતિને કરી યુદ્ધવિરામની જાહેરાત
યુક્રેને યુદ્ધ વિરામની જાહેરાત કરી તે પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લોદિમીર પુતિને વિક્ટ્રી ડે પરેડના કાર્યક્રમ દરમિયાન એકતરફી 72 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘રશિયાના સૈનિકો કોઈપણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશે.’ બીજીતરફ યુક્રેને રશિયન વિક્ટ્રી ડે પરેડને નકલી દેશભક્તિનો તમાશો અને રશિયા દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામને પોકળ ગણાવ્યો હતો.
ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓનો શાંતિ સ્થાપવાનો પ્રયાસ
અમેરિકાએ માર્ચમાં 30 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને યુક્રેને સ્વીકાર કર્યો હતો. જોકે રશિયા પોતાની શરતો પર યુદ્ધવિરામ કરવા માંગતું હતું. યુરોપિયન નેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પે શાંતિ સમજૂતીનું આહ્વાન કર્યું છે, જેને અમે સમર્થન આપીએ છીએ અને રશિયાને આગ્રહ કરીએ છીએ કે, તેઓ સ્થાયી શાંતિ સુનિશ્ચિત કરવાના પ્રયાસોમાં અડચણો ઊભી કરવાનું બંધ કરે. અમેરિકા અને અમે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ, તેથી રશિયા કોઈપણ શરત વગર 30 દિવસ સુધી યુદ્ધવિરામ પર રાજી થાય.’