
અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકાના વર્જિનિયામાં મહેસાણા વતની પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. આ સનસનીખેજ ઘટના અમેરિકાના વર્જિનિયામાં બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં ગુજરાતી પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. મૃતક મૂળ મહેસાણાના કનોડા ગામના પટેલ પરિવારના સભ્યો છે. તેઓ સ્ટોરમાં બેઠા હતા, તે સમયે એક અશ્વેત વ્યક્તિએ સ્ટોરમાં પ્રવેશ કરી 56 વર્ષીય પિતા અને 24 વર્ષીય પુત્રની ગોળી મારી હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે અમેરિકામાં વસતા ભારતીયો અને ગુજરાતી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે તેની સાથે ભયનો માહોલ પણ ફેલાયો છે. જો કે, હજુ પણ હત્યાનું કારણ જાણી શકાયું નથી.