
UAEમાં ભારતીય મૂળના બે લોકોને બે જુદી-જુદા હત્યા મામલે મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. યુએઈની સર્વોચ્ચ અદાલતે યુએઈમાં રહેતા કેરળના બે ઇમિગ્રન્ટ્સને હત્યા બદલ મૃત્યુદંડ ફટકાર્યો હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. બંને કેરળના રહેવાસી છે. તેમની ઓળખ મોહમ્મદ રિનાશ અને મુરલીધર પી. વી. તરીકે થઈ છે.
ગુના બદલ આકરી સજા માટે જાણીતા યુએઈમાં મોહમ્મદ રિનાશે એક સ્થાનિક રહેવાસીની હત્યા કરી હતી. જ્યારે બીજા મુરલીધર પી. વી.એ એક ભારતીય મૂળના વ્યક્તિને જ મોતને ઘાટ ઉતાર્યો હતો. યુએઈએ આ અંગે ભારતીય દૂતાવાસને 28 ફેબ્રુઆરીના રોજ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસે બંનેના પરિવારનો સંપર્ક સાધી તેમને આ અંગે માહિતી આપી હતી.
સરકારે બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો
વિદેશ મંત્રાલયે અગાઉ બંનેના કેરળ સ્થિત રહેતા પરિવારનો સંપર્ક સાધી તેમને આશ્વાસન આપ્યું હતું કે, તે આ અંગે જરૂરી તમામ કાયદાકીય સહાય ઉપલબ્ધ કરાવવા તેમજ માફી આપવાની માગ કરતી અપીલ કરી હતી. તેમણે યુએઈની સર્વોચ્ચ અદાલત સમક્ષ તેમને દયા અને ક્ષમા કરવાની અરજી પણ કરી હતી. પરંતુ અદાલત પોતાનો ચુકાદો જાળવી રાખતા તેમને મૃત્યુદંડ આપવા પર અડગ રહી છે. માફીની માગ કરતી અરજી ફગાવી દેવામાં આવી છે. દૂતાવાસ હવે પ્રયાસ કરી રહ્યું છે કે, મૃતકોના પરિવાર તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થાય.
ઉત્તરપ્રદેશની એક મહિલાને પણ યુએઈમાં મૃત્યુદંડ
ઉત્તરપ્રદેશની શહેઝાદી ખાનને પણ અગાઉ 15 ફેબ્રુઆરીના રોજ અબુધાબીમાં ચાર માસના બાળકની હત્યા બદલ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. શહેઝાદીના પિતા શબ્બીર ખાને દિલ્હી હાઇકોર્ટમાં વિદેશ મંત્રાલયને આ મામલે દખલગીરી કરવા તેમજ તેમની દીકરીને બચાવી લેવાની માગ કરતી અરજી કરી હતી.