
Pakistan news: પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી, રાજકીય અસ્થિરતા અને બોમ્બ વિસ્ફોટથી જનતા ત્રાસી ચુકી છે. આટલું ઓછું હોય તેમ આજે પાકિસ્તાનના સૌથી અશાંત એવા ખૈબર પખ્તૂનખ્વા સુબામાં આવેલા મિલિટ્રી કેમ્પમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
મળતી માહિતી અનુસાર મંગળવારે સાંજે એક આતંકવાદી જૂથના બે આત્મઘાતી હુમલાખોરેએ વિસ્ફોટો લાદીને બે કારને ઉત્તર-પશ્ચિમ પાકિસ્તામાં એક સૈન્ય સંકુલમાં ઘુસાડી દીધી હતી. જેમાં મોટા વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટમાં અત્યાર સુધી છ લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે.
વિસ્ફોટકો ભરેલી કાર લઈને આતંકવાદીઓ લશ્કરી છાવણીમાં ઘૂસ્યા
મળતી માહિતી અનુસાર, આ આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી બે કાર બન્નુ છાવણીના પ્રવેશદ્વારમાં ઘુસાડી દીધી હતી, જેના કારણે મોટા વિસ્ફોટ થયા હતા.ત્યારબાદ કેટલાક આતંકવાદીઓએ પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો." "સ્થળ પર હાજર સુરક્ષા દળોએ તેમની સાથે એન્કાઉન્ટર કર્યું હતું. જો કે, શરૂઆતના અહેવાલ પ્રમાણે અત્યાર સુધી કુલ ચાર આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.
પાકિસ્તાની સૈન્ય છાવણી અફઘાનિસ્તાનની નજીક છે
પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનો બન્નુ જિલ્લો, દેશના ભૂતપૂર્વ સ્વ-શાસિત આદિવાસી વિસ્તારોની સરહદે આવેલો છે અને અફઘાનિસ્તાનની નજીક છે. "ફાયરિંગ હજુ પણ ચાલુ છે અને સુરક્ષા દળો બાકીના હુમલાખોરોનો પીછો કરી રહ્યા છે," એમ અધિકારીએ જણાવ્યું હતું.
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે દુઃખ વ્યક્ત કર્યું
મિલિટ્રી પરિસરમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આતંકવાદના આવા કાયર અને જઘન્ય કૃત્યો આતંકવાદ સામેના આપણા સંકલ્પને નબળો પાડી શકતા નથી. તેમણે કહ્યું હતું કે 'અમે દેશમાંથી તમામ પ્રકારના આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કટિબદ્ધ છીએ'.ટ
હાફિઝ ગુલ બહાદુર જૂથે જવાબદારી લીધી
આ આતંકવાદી હુમલાની જવાબદારી હાફિઝ ગુલ બહાદુર સશસ્ત્ર જૂથ દ્વારા લેવામાં આવી છે, જે વર્ષ-2001થી અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટો ગઠબંધન સામેના યુદ્ધમાં અફઘાન તાલિબાનને સક્રિયપણે ટેકો આપી રહ્યું છે. "અમારા લડવૈયાઓ એક મહત્વપૂર્ણ લક્ષ્ય સુધી પહોંચ્યા અને તેનું નિયંત્રણ મેળવી લીધું," જૂથે એક નિવેદનમાં જણાવ્યું. જોકે, જૂથે વધુ કોઈ વિગતો આપી ન હતી.