
US Alcohol Banned in Canada: હવે કેનેડાએ પણ 'જેવા સાથે તેવા'ની નીતિ અપનાવી છે. કેનેડાના મુખ્ય પ્રાંત ઓન્ટારિયો અને ક્યૂબેક સહિત અન્ય ઘણા પ્રાંતોએ અમેરિકન લિકરના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પગલું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડિયન માલ પર લાદવામાં આવેલા ટેરિફના જવાબમાં ભરવામાં આવ્યું છે. ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે આ નિર્ણયની જાહેરાત કરતાંં કહ્યું કે, 'આ અમેરિકન ઉત્પાદકો માટે એક મોટો ફટકો છે.'
અમેરિકન લિકર પર મૂક્યો પ્રતિબંધ
ઓન્ટારિયો, ક્યૂબેક, બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા અને નોવા સ્કોટીયા જેવા મુખ્ય પ્રાંતોએ પોતાના સરકારી લિકરના સ્ટોર્સમાંથી અમેરિકન લિકર હટાવવાનો આદેશ આપ્યો છે. ઓન્ટારિયોની જાહેર રીતે સંચાલિત લિકર કંટ્રોલ બોર્ડ (LCBO) દર વર્ષે લગભગ એક અબજ કેનેડિયન ડૉલર (લગભગ 688 મિલિયન અમેરિકન ડૉલર)નો અમેરિકન દારૂ વેચે છે. મંગળવારે સવારે LCBOની વેબસાઇટ પર એક નોટિસ જાહેર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે 'અમેરિકન ટેરિફના જવાબમાં અમેરિકન ઉત્પાદનો હટાવી દેવામાં આવ્યા છે.'
ક્યૂબેક સરકારે પોતાના પ્રાંતીય લિકર ડિસ્ટ્રીબ્યૂટરને સ્ટોર્સ, બાર અને રેસ્ટોરન્ટ્સમાં અમેરિકન લિકર સપ્લાય બંધ કરવાનો આદેશ આપ્યો છે. મેનિટોબાના પ્રીમિયર વાબ કિનેવે જાહેરાત કરતાં કહ્યું કે, અમે અમારા સ્ટોર્સમાંથી અમેરિકન લિકર હટાવી રહ્યા છીએ. બ્રિટિશ કોલંબિયાએ એક અનોખું પગલું ભરતાં માત્ર રિપબ્લિકન નેતૃત્વવાળા યુએસ 'રેડ સ્ટેટસ'માંથી આવનાર લિકર પર પ્રતિબંધ લગાવ્યો છે. બ્રિટિશ કોલંબિયા સરકારે કહ્યું કે, અમારા લિકર ડિસ્ટ્રીબ્યૂટર 'રેડ સ્ટેટસ' એટલે કે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને ટેકો આપતા યુએસ રાજ્યોમાંથી લિકર ખરીદવાનું બંધ કરશે.
જસ્ટિન ટુડોના ટ્રમ્પ પર આકરા પ્રહાર
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કડક સ્વરમાં કહ્યું કે, કેનેડા અમેરિકન ટેરિફનો જડબાતોડ જવાબ આપશે. પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં ટ્રુડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે, કેનેડા અમેરિકન ઉત્પાદનો પર 100 અબજ ડૉલરથી વધુનો જવાબી ટેરિફ લગાવશે. તેમણે ટ્રમ્પની નીતિઓની ટીકા કરતાં કહ્યું કે, 'આજે અમેરિકાએ તેના સૌથી નજીકના સાથી અને મિત્ર કેનેડા સામે વેપાર યુદ્ધ છેડ્યું છે. જ્યારે બીજી તરફ તેઓ રશિયા સાથે સકારાત્મક સંબંધોની વાત કરી રહ્યા છે અને વ્લાદિમીર પુતિન જેવા સરમુખત્યારને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કેવા પ્રકારની નીતિ છે?'
ટ્રમ્પે મંગળવારે રાત્રે 12 વાગ્યા બાદ કેનેડા અને મેક્સિકોથી આયાત થતાં માલ પર 25% ટેરિફ લગાવ્યો હતો, જ્યારે કેનેડિયન ઉર્જા ઉત્પાદનો પર 10%ની મર્યાદા નક્કી કરી. ટ્રુડોએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'તેઓ આપણી અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે નષ્ટ કરવા માંગે છે જેથી તેઓ આપણને અમેરિકા સાથે ભેળવી શકે. પરંતુ આવું ક્યારેય નહીં થાય. આપણે ક્યારેય અમેરિકાનું 51મું રાજ્ય બનીશું નહીં.'
ટુડોએ ટ્રમ્પને સીધા સંબોધિત કરતાં કહ્યું કે, 'ડોનાલ્ડ, હું સામાન્ય રીતે 'વોલ સ્ટ્રીટ જર્નલ' સાથે સહમત નથી, પરંતુ તેમણે યોગ્ય જ કહ્યું કે તમે ખૂબ જ સમજદાર વ્યક્તિ છો, પરંતુ આ ખૂબ જ મૂર્ખતાપૂર્ણ પગલું છે. કેનેડા અને અમેરિકા વચ્ચે વેપાર તણાવ વધી રહ્યો છે, જેની અસર બંને દેશોની અર્થવ્યવસ્થા પર થવાની આશંકા છે. આ નિર્ણયની અમેરિકન લિકર ઉત્પાદકો પર પણ ઊંડી અસર પડી શકે છે.