
3 માર્ચ 2025ના રોજ અમેરિકામાં ગુજરાતી સમુદાય ફરી એકવાર શોકમાં છે. મહેસાણાના મૂળ રહેવાસી પ્રદીપ પટેલ (56) અને તેમની દીકરીની ઉર્વિ પટેલ (24) વર્જિનિયામાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમની દુકાન પર ફાયરિંગ કરવામાં આવ્યું. આરોપી જ્યોર્જ વોર્ટને આ બાપ-દીકરીન દુકાન બંધ છે કે ચાલુ તે અંગે પુછ્યું અને અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો.
આ ઘટના પછી ફરી એકવાર અમેરિકામાં રહેતા ગુજરાતીઓને અહીંની ધરતી વધુ પારકી લાગવા લાગી છે. 2023માં વડોદરાના ઉજાસ મેંગર, 2019માં નડીયાદના હસમુખ પટેલ, 2021માં એક વર્ષમાં પાંચ ગુજરાતીઓની હત્યા ત્યારબાદ 2016માં ખેડા જિલ્લાના ઉમરેઠ તાલુકાના મિતેશ પટેલ અને હવે પ્રદિપ પટેલ અને તેમની દીકરી ઉર્વિ પટેલ અમેરિકાના ગન કલ્ચરનો ભોગ બન્યા છે.
અમેરિકામાં 2023માં 43000 લોકોએ ગુમાવ્યો જીવ
છેલ્લા નજીકના ગાળામાં અમેરિકામાં આ દસમી હિંસાની ઘટના છે જેમાં ઓપન ફાયરિંગમાં અમેરિકા સ્થિત ગુજરાતી હિંસાનો ભોગ બન્યા હોય. અમેરિકામાં 2023માં 43,000 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આમાં અમેરિકાના સ્થાનિક નાગરિકો વધુ ભોગ બન્યા છે. સરેરાશ વર્ષે એક ગુજરાતી આ પ્રકારની હિંસાનો ભોગ બને છે.
અમેરિકામાં ગુજરાતીઓ પર આઠ વર્ષમાં એક ડઝનથી વધુ હુમલા થયા
વર્ષ 2016થી જોઈએ તો ગુજરાતીઓની હત્યાના આઠ વર્ષમાં એક ડઝનથી વધુ હુમલાઓ થયા છે. છેલ્લા આઠ વર્ષમાં આ દસમી ઘટના છે જેમાં શાંતિ પ્રિય ગુજરાતીઓને કામ કરવાના કામે કોઈ આવીને શૂટ કરીને જતું રહે. અમેરિકામાં 40% મોટેલના બિઝનેસ ગુજરાતીઓના હાથમાં છે.
જેમાં મોટા ભાગે આણંદ અને ખેડા જિલ્લાના પટેલો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં તમામ ગુજરાતીઓને ખબર છે કે મોટેલ, બાર કે પેટ્રોલ પંપ પર સાંજની શાંતિ કેટલી ભયાનક હોઈ શકે છે. સાંજના સમયે કોઈપણ વ્યસની આવે અને ગન બતાવીને કાઉન્ટરમાંથી પૈસા લઈ જાય અથવા તો ખાદ્ય વસ્તુ કે મફતમાં પેટ્રોલ પુરાવી જાય.
આ પ્રકારની ઘટના અહીં સામાન્ય ગણવામાં આવે છે અને આવા વાર્ષિક સરેરાશ 11 લાખ જેટલા ગુનાઓ અમેરિકામાં નોંધાય છે. પરંતુ ગંભીર કહી શકાય એવી ઝપાઝપી કે ફાયરિંગમાં મૃત્યુ થયા હોય એ પ્રકારે મોટી ઘટનાઓ કહી શકાય એવી 2016માં 20 અને 2023માં આવી 48 ઘટનાઓ ઘટી છે.
અમેરિકાના કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ટેક્સાસ અને ફ્લોરિડા આ પ્રકારના ગુનાઓ માટે વધુ પ્રખ્યાત છે. જો કે અમેરિકા સ્થિત ગુજરાતી સમાજ દ્વારા આ પ્રકારની માર્ગદર્શિકાઓ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવે છે. અહીં મોટેલ, પેટ્રોલ પંપ કે કેશ કાઉન્ટરવાળી દુકાનો આના હાઈ રિસ્ક લોકેશન છે.