
શુક્રવારે પાકિસ્તાની સેનેટે સર્વાનુમતે ભારત દ્વારા પાકિસ્તાનને આ અઠવાડિયાની શરૂઆતમાં ભારત-અધિકૃત કાશ્મીરમાં થયેલા ઘાતક હુમલા સાથે જોડવાના પ્રયાસ સામે ઠરાવ પસાર કર્યો.
આ હુમલો કાશ્મીરના પ્રવાસન સ્થળ પહેલગામમાં થયો હતો, જ્યાં દર ઉનાળામાં હજારો પ્રવાસીઓ મુલાકાત લે છે. બંદૂકધારીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો, 28 લોકો માર્યા ગયા, બધા ભારતના વિવિધ ભાગોના હતા.
નાયબ વડાપ્રધાન ઇશાક ડાર દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન જળ આતંકવાદ અથવા લશ્કરી ઉશ્કેરણી સહિત કોઈપણ આક્રમણ સામે રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ અને તૈયાર છે.
ઠરાવ મુજબ, પાકિસ્તાની સેનેટે જણાવ્યું હતું કે નિર્દોષ નાગરિકોની હત્યા પાકિસ્તાન દ્વારા અપનાવવામાં આવેલા મૂલ્યોની વિરુદ્ધ છે. ભારતના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા પહેલગામ હુમલા સાથે પાકિસ્તાનને જોડવાના તમામ વ્યર્થ અને પાયાવિહોણા પ્રયાસોને નકારી કાઢે છે".
સેનેટે ભારત સામે ઝેર ઓકતા કહ્યું કે "પાકિસ્તાનને બદનામ કરવા માટે ભારત સરકાર દ્વારા સુનિયોજિત અને દુર્ભાવનાપૂર્ણ અભિયાનની પણ નિંદા કરી, જે સંકુચિત રાજકીય ધ્યેય માટે આતંકવાદના મુદ્દાનો ઉપયોગ કરવાની પરિચિત રીતને અનુસરે છે. ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની ગેરકાયદેસર અને એકપક્ષીય ઘોષણાની પણ નિંદા કરવામાં આવી છે, જે સંધિનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને સ્પષ્ટપણે યુદ્ધના કૃત્ય સમાન છે."
બુધવારે, ભારત સરકારે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ અનેક આક્રમક પગલાં લીધાં હતા.