
રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે વિશ્વના અનેક દેશોએ પ્રયાસ કર્યા, પરંતુ અત્યાર સુધી સફળતા મળી નહીં. જોકે હવે બંને દેશો વચ્ચે શાંતિ થશે તેવી આશાનું એક કિરણ દેખાયું છે. રશિયાએ શનિવારે કહ્યું છે કે તે કોઈ પણ શરત વિના યુક્રેન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના એમ્બેસેડર સાથેની બેઠકમાં આ માટે સહમતી દર્શાવી છે. ક્રેમલીનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે જણાવ્યું છે કે, ટ્રમ્પના દૂત વિટકોફ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું છે કે તેઓ કોઈ પણ શરત વિના યુક્રેન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
ટ્રમ્પ પુતિનથી નારાજ
નોંધનીય છે કે હાલમાં જ ટ્રમ્પે પુતિનથી નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, 'પુતિન સામાન્ય લોકોની વસતિ પર મિસાઇલથી હુમલો કરી રહ્યા છે, જેની જરૂર નહોતી. મને તો લાગે છે કે તે યુદ્ધ રોકવા જ નથી માંગતા. લોકો મરી રહ્યા છે!'
ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે મહત્ત્વપૂર્ણ ચર્ચા
ઈટાલીના પાટનગર રોમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ હતી. થોડા દિવસ અગાઉ વ્હાઇટ હાઉસમાં થયેલા વિવાદ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત રહી. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા અંગે ચર્ચા થઈ હશે. યુક્રેન તરફથી મળી રહેલી જાણકારી અનુસાર બંને નેતાઓ વચ્ચે શનિવારે વધુ એક બેઠક યોજાશે, જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમેરિકા સતત યુક્રેન અને રશિયા વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા હાંકલ કરી રહ્યું છે, એવામાં આ બેઠકમાં મોટા નિર્ણયો લેવાઈ શકે છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ઝેલેન્સ્કી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં મીડિયાની હાજરીમાં જ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. અમેરિકાએ યુક્રેનની ઝાટકણી કાઢતા યુરોપના અનેક દેશો પણ નારાજ થયા હતા અને નાટોની ઈમરજન્સી બેઠક પણ યોજાઇ હતી.
ટ્રમ્પનું કાશ્મીર અંગે મોટું નિવેદન
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી હુમલાની નિંદાની સાથે આશા વ્યક્ત કરી છે કે ભારત અને પાકિસ્તાન પોતાની રીતે આ મુદ્દાનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું છે, કે 'આતંકવાદી હુમલો અત્યંત ખતરનાક હતો, કાશ્મીરમાં એક હજારથી પણ વધુ વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવ છે, પણ આ તણાવ તો હંમેશાથી રહ્યો છું. બંને પોતાના સ્તર પર ઉકેલ લાવશે.'