
મધ્ય પૂર્વમાં મોટા યુદ્ધમાં પરિવર્તિત થાય તેવા એંધાણ છે. ઈઝરાયેલ દ્વારા 13 જૂનની રાત્રે ઈરાન વિરુદ્ધ 'ઓપરેશન રાઇઝિંગ લાયન' શરૂ થયા પછી બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ છે. બંને દેશોએ શનિવારે રાત્રે પણ એકબીજા પર હુમલો કર્યો. ઇઝરાયલી વાયુસેનાએ ઈરાનના અન્ય ભાગો સાથે રાજધાની તેહરાન પર હુમલો કર્યો, જેના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર વધુ એક મિસાઈલ હુમલો કર્યો..
રક્ષામંત્રાલય હેડક્વાર્ટર, તહેરાનમાં રિફાઈનરીઓને કરી ટાર્ગેટ
ઇઝરાયલી હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રાલયની ઇમારત, પરમાણુ પ્રયોગશાળા, પરમાણુ હેડક્વાર્ટર મુખ્યાલય અને તેહરાનમાં બે રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી હતી. હુમલા પછીની તસવીરોમાં આગ અને મોટા પાયે નુકસાન જોઈ શકાય છે. જે પછી ઈરાને ઇઝરાયલી બંદર શહેર હાઈફા સહિત સમગ્ર ઇઝરાયલ પર મિસાઈલ છોડી. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે કહ્યું કે, ઇઝરાયલના પરમાણુ સેન્ટરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
ઇઝરાયલી સંરક્ષણમંત્રીએ 'તેહરાન બળી રહ્યું છે' જેવા નિવેદનો આપ્યા
ઈરાનની રાજધાની તેહરાનમાં થયેલા વિસ્ફોટો પછી ઇઝરાયલી સંરક્ષણમંત્રીએ 'તેહરાન બળી રહ્યું છે' જેવા નિવેદનો આપ્યા છે. બીજી તરફ ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ચેતવણી આપી હતી કે જો ઇઝરાયલ હુમલાઓ ચાલુ રાખશે, તો તેમની પ્રતિક્રિયા વધુ તીવ્ર અને વ્યાપક પ્રમાણમાં નુકસાનકારી હશે.
ઇરાન કોઈપણ પ્રકારની પરમાણુ વાટાઘાટોમાં ભાગ નહીં લે
ઇરાન અને અમેરિકા વચ્ચે રવિવારે નિર્ધારિત નવી પરમાણુ વાટાઘાટો થઈ શકી નહીં. તેનું કારણ ઇઝરાયલ દ્વારા ઇરાન પર તીવ્ર લશ્કરી હુમલાઓ હતા. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઇઝરાયલ ઇસ્લામિક રિપબ્લિક પર હુમલો કરવાનું ચાલુ રાખશે, ત્યાં સુધી ઇરાન કોઈપણ પ્રકારની પરમાણુ વાટાઘાટોમાં ભાગ નહીં લે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત દરમિયાન પેઝેશ્કિયાને કહ્યું કે ઇરાન રાજદ્વારીને પ્રાથમિકતા આપે છે, પરંતુ દબાણ હેઠળ કોઈપણ 'ગેરવાજબી માંગ' સ્વીકારશે નહીં અને જ્યાં સુધી ઇઝરાયલ હુમલો કરવાનું ચાલુ રાખશે, ત્યાં સુધી તે વાટાઘાટોના ટેબલ પર બેસશે નહીં.