
Trump: અમેરિકામાં મોટા પાયે છટણીનો તબક્કો શરૂ થયો છે. હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય બાદ ઈન્ટરનલ રેવન્યુ સિસ્ટમ (IRS)ના 6 હજારથી વધુ કર્મચારી નોકરી ગુમાવી શકે છે. નિષ્ણાતો આ છટણી પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી IRS અમીરોના કેસોની તપાસ ન કરી શકે.
અમેરિકામાં ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા ચાલી રહી છે
અહેવાલો અનુસાર, IRSએ ગુરુવારે (20મી ફેબ્રુઆરી) લોકોને જાણ કરી હતી કે લગભગ 6,000 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકામાં ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા ચાલી રહી છે. IRS અધિકારી ક્રિસ્ટી આર્મસ્ટ્રોંગે જણાવ્યું હતું કે, 'અમે 6,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકીશું.' નોંધનિય છે કે, ટ્રમ્પે સરકારી ખર્ચ ઘટાડવાનું કામ DOGE વિભાગને સોંપ્યું છે.
આ કાર્યવાહી ટ્રમ્પના ખર્ચ ઘટાડવાના પ્રયાસોનો એક ભાગ છે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખર્ચમાં કાપ મૂકવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં બેંક નિયમનકારો, વનસંવર્ધન કામદારો, રોકેટ વૈજ્ઞાનિકો અને હજારો અન્ય સરકારી કર્મચારીઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. આ પ્રયાસનું નેતૃત્વ ટેક ટાયકૂન ઈલોન મસ્ક કરી રહ્યા છે. IRSમાં છટણી મુખ્યત્ત્વે એવા કર્મચારીઓની હશે જેમને અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેન દ્વારા સેવા વિસ્તરણના ભાગ રૂપે રાખવામાં આવ્યા હતા.
IRS હવે આશરે 100,000 લોકોને રોજગારી આપે છે. સ્વતંત્ર બજેટ વિશ્લેષકોનો અંદાજ છે કે આ પ્રયાસથી સરકારી આવકમાં વધારો થઈ શકે છે અને ટ્રિલિયન ડોલરની બજેટ ખાધ ઘટાડવામાં મદદ મળી શકે છે.