
જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસારન ખીણમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાની ઘટનાના એક મહિના બાદ આ હુમલાનો માસ્ટર માઈન્ડ અને લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સૈફુલ્લા કસૂરી પાકિસ્તાનમાં જાહેરમાં ફરતો જોવા મળ્યો છે. બીજી બાજુ ભારતે પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળોનો ખાત્મો બોલાવ્યા પછી આતંકી સંગઠનોએ ફરી એક વખત ભરતી શરૂ કરી છે અને તે માટે પોસ્ટરો લગાવ્યા છે.
અનેક આતંકીઓ એક મંચ પર
પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે સૈન્ય કાર્યવાહી કરી પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળોનો ખાત્મો કરી નાંખ્યો હતો. જોકે, પાકિસ્તાન હજુ સુધર્યું નથી. પાકિસ્તાનમાં ભારત વિરોધી એક રેલી યોજાઈ હતી. આ રેલીમાં લશ્કર-એ-તોયબાનો કમાન્ડર સૈફુલ્લાહ કસૂરી અને હાફિઝ સઈદનો પુત્ર હાજર રહ્યા હતા. આ રેલીમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરાયેલા અનેક આતંકીઓ એક મંચ પર આવ્યા હતા.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI, લશ્કર કમાન્ડરો અને પાકિસ્તાની સુરક્ષા દળોની હાજરીમાં કસૂરીએ પોતાને 'ભારતના હૃદયમાં કાંટો' ગણાવ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે પહેલગામ હુમલા પછી તે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે.
પહેલગામ હત્યાકાંડની જવાબદારી લેવાનો અગાઉ ઇનકાર કરનાર કસૂરીએ લશ્કરના વડા હાફિઝ સઈદના પુત્ર અને યુએસ દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા તલ્હા સઈદ સાથે પંજાબ વિધાનસભાના સ્પીકર મલિક અહેમદ ખાન સાથે સ્ટેજ પર જોવા મળ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે.
ભારતના ઓપરેશન સિંદૂરના જવાબમાં તલ્હાએ પાકિસ્તાનના કહેવાતા બન્યાન અલ-મર્સૂસ ઓપરેશનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે, "અલ્લાહ જેહાદમાં સામેલ લોકોને પ્રેમ કરે છે." તેમના નિવેદન પછી, ત્યાં હાજર કસૂરી અને અન્ય લોકો ખુશીથી નાચી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ઉલ્લેખ કરતા, કસુરીએ કહ્યું કે તે ગોળીઓથી ડરતો નથી. તેણે કહ્યું, "શું નરેન્દ્ર મોદી વિચારે છે કે આપણે ગોળીઓથી ડરવાના છીએ? આ તેમની ભૂલ છે." ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં ગુજરાતના ભૂજમાં એક રેલીને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે જો પાકિસ્તાન આતંકવાદને હથિયાર તરીકે ઉપયોગ કરવાનું બંધ નહીં કરે, તો તેણે ભારતની ગોળીઓનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.
પાકિસ્તાનના ભાગલાનો બદલો
કસુરીએ આ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાને 1971ના યુદ્ધ અને પાકિસ્તાનના ભાગલાનો બદલો લીધો છે. રેલી દરમિયાન, તેણે આગામી ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો અને તેમના વતનના લોકોને પૂછ્યું કે શું તેઓ આગામી ચૂંટણીમાં મોદી સામે તેનું સમર્થન કરશે. કસુરીએ કહ્યું, "હું ભારતના હૃદયમાં કાંટા જેવો છું. હું મારા ભગવાનનો આભાર માનું છું કે હું મોદી સામે આગામી ચૂંટણી લડતો નથી."
નવા આતંકીઓની ભરતી
જૈશ-એ-મોહમ્મદે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની સાથે નવા આતંકીઓની ભરતી કરવા માટે સોશિયલ મીડિયાનો આધાર લીધો છે. આ આતંકી સંગઠન ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટિકટોક, એક્સ, વ્હોટ્સએપ ગૂ્રપ્સ અને બ્લોગસ્પોટ જેવા પ્લેટપોર્મ્સ પર સક્રિય છે. તેણે ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓ માટે ખુલીને દાન માગવાનું અને યુવાનોને ભારત વિરુદ્ધ જેહાદમાં જોડાવા ઉશ્કેરવાનું શરૂ કર્યું છે. જૈશે બહાવલપુરમાં મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે અને ઓગસ્ટમાં એક મોટા કાર્યક્રમમાં લોકોને જોડાવા આમંત્રણ અપાયું છે.