
પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે Operation Sindoor દ્વારા લઇ લીધો છે. પાકિસ્તાનમાં 9 આતંકી સ્થળોને ટાર્ગેટ કરીને એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયુ છે. આ વચ્ચે પાકિસ્તાની NSAએ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો સંપર્ક કર્યો છે.
પાકિસ્તાનના NSA અને ISI પ્રમુખ અસીમ મલિકે ડોભાલ સાથે વાત કરી
ભારતે Operation Sindoor બાદ મામલો આગળ ના વધારવાની જાહેરાત કરી છે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાનો જવાબ આપવાની વાત કરી છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના NSA અને ISI પ્રમુખ અસીમ મલિકે અજીત ડોભાલ સાથે વાત કરી છે.
પાકિસ્તાનના ડેપ્યુટી PMએ આપી માહિતી
અજીત ડોભાલ સાથે અસીમ મલિકની વાતચીત વિશે પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રી ઇશાક ડારે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી છે. ડારે જણાવ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે NSA સ્તર પર સંપર્ક કરવામાં આવ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી કોઇ પણ સ્તર પર કોઇ વાતચીત થઇ નથી રહી.ભારતની સ્પષ્ટ નીતિ છે કે આતંકવાદ અને વાતચીત બન્ને એક સાથે ના ચાલી શકે માટે કેન્દ્રની મોદી સરકારે દરેક સ્તર પર પાકિસ્તાનનો બોયકોટ કર્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત એક્શન લેવાની તૈયારી કરી રહ્યુ હતુ પરંતુ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ અને ત્યાના સૈન્ય જનરલોને આશા નહતી કે ભારત આ રીતે ફરી એરસ્ટ્રાઇક કરીને પહેલગામ હુમલાનો બદલો લેશે.
આ ઓપરેશન બાદ ભારતે વિશ્વ સામે એલાન કર્યુ કે તેને માત્ર આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવ્યા છે. ભારતે સ્પષ્ટ કર્યુ કે આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનની જનતા અને સેનાને કોઇ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.